પૃષ્ઠ:Bansari.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુકદ્દમાની વધુ વિગતો : ૧૨૭
 

હાથમાં હતી. જ્યોતીન્દ્ર અંદર જઈ, અંધારામાં પિસ્તોલ ફોડી કોઈ માણસને ઘાયલ કરે એટલો સમય પણ નહોતો.’

‘માટે સુરેશે પિસ્તોલ ફોડી એમ કહો છો ?’

‘હા, જી. વળી તેના મનની સ્થિતિ જોતાં તે એક Maniac - ભ્રમિત ચિત્તવાળા - ખૂની તરીકે મને જણાયો છે.’

ઝીણી આંખ કરી નવીનચંદ્રે પોતાના હરીફ દિવ્યકાંત તરફ જોયું. જે પ્રશ્ન બદલ વાંધો તેણે લીધો હતો. તેનો જવાબ એની મેળે જ આવી જતો જણાયો.

‘કારણ આપ્યા સિવાય તમે કશું કથન કરશો જ નહિ.’ નવીનચંદ્રે કહ્યું.

‘સુરેશે જ્યોતીન્દ્રને મારવા પિસ્તોલ ધરી હતી. તે હું અને મારા સિપાઈઓ જાણીએ છીએ. મેં પિસ્તોલ ઝુંટવી લીધી.'

‘આ સિવાય તમારી માન્યતાનું બીજું કારણ કાંઈ છે ?'

‘હા, જી. કર્મયોગીના મકાનમાં ઝાડ ઉપર ચડી જાળીમાંથી ઘણું કરી જ્યોતીન્દ્રની સામે પિસ્તોલ તાકતાં અમે જોયો છે. એટલું જ નહિ પણ તેનું ન ફાવતાં પોલીસનાં સંગીન ઝૂંટવી લઈ તેણે અંદર ફેંક્યાં એટલે ખૂન કરવાનો વેગ તેનામાં છે એમ હું માનું છું.’