પૃષ્ઠ:Bansari.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
વકીલોની તકરાર

કહી તું જાય છે દોરી
દગાબાઝી કરી કિસ્મત !
ભારોંસો તે દઈ શાને
આ હરરાઝી કહી કિસ્મત !
મણિલાલ

હિંમતસિંગ પછી ડૉક્ટરની જુબાની લેવામાં આવી. ડૉક્ટરને મારે માટે અનેક પ્રશ્ન કર્યાં તેમાંથી એક વાત ખાસ આગળ તારવી કાઢવાનો નવીનચંદ્રનો ઉદ્દેશ હતો. વખતોવખત ઉશ્કેરાઈ જઈ ખૂન કરી બેસું એવા માનસ-ઘડતરવાળો ભયંકર માનવી હું છું એમ ડૉક્ટરની સહાયથી તેમણે કૉર્ટના મન ઉપર ઠસાવવા માંડ્યું. ડૉક્ટરે ચિકિત્સાશાસ્ત્ર, માનસશાસ્ત્ર, એવાં કાંઈ કાંઈ શાસ્ત્રોમાંથી પોતાની દલીલ સાબિત કરવા માટે પુરાવા કાઢવા માંડ્યા. ઊલટતપાસમાં મારા વકીલ દિવ્યકાન્ત ડૉક્ટરની પાસેથી એમ કઢાવવા મંથન કર્યું કે આવા પ્રકારનો મારો સ્વભાવ હોય તો તેને માટે હું જવાબદાર કે જોખમદાર નથી. પરંતુ ડૉક્ટર બુદ્ધિમાન હતો. તેને મારે માટે ચોક્કસ અણગમો ઉત્પન્ન થઈ ગયો હતો. તેણે અભિપ્રાય આપ્યો કે મારા સરખા માણસો સમાજના અન્ય બુદ્ધિમાન અને સર્વમાન્ય રહેણીકરણીવાળા ગૃહસ્થોની માફક રહે છે, તથાપિ તેમનો ખૂની સ્વભાવ વખતોવખત સ્પષ્ટ તરી આવી બુદ્ધિનો અને માન્ય રહેણીકરણીનો લાભ લઈ સ્વભાવનાં પરિણામો ઢાંકવા માટે મંથન કરે છે. ગૃહસ્થો અને સારા માણસોની ગણતરીમાં ગણતા કંઈક માણસો એવા હોય છે, જો તેમના ગુના બહાર પડે તો જનસમાજ તેમને જીવવા પણ ન દે. સાધારણ ગુનેગારો કરતાં આવા ગુનેગારો વધારે ભયંકર હોય છે. ઘણાં ન પકડાયલાં ખૂન આવા સારા કહેવાતા બુદ્ધિમાન ખૂનીઓની જગતથી ઢંકાયલી ખૂની વૃત્તિઓને જ આભારી હોય છે.

એવા ખૂનીઓની ખૂન માટેની જવાબદારીનો પ્રશ્ન આગળ આવતાં ડૉક્ટરે કહ્યું કે, તેઓને પોતાનાં કાર્યો માટે સંપૂર્ણ રીતે જવાબદાર માનવા જોઈએ. એક મહાન રોગચિકિત્સકનો અભિપ્રાય ટાંકી તેમણે જણાવ્યું કે,