પૃષ્ઠ:Bansari.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વકીલોની તકરાર: ૧૨૯
 

‘આવા ખૂનીઓને સમાજથી દૂર કરવા માટે ફાંસી સિવાય બીજું એક્કે સાધન નથી. જન્મટીપની સજા કરવી એ તેમને સમાજનાં સંસર્ગમાં આવવાની તક આપવા સરખું છે. એવા ખૂનીઓની કાબેલિયત એવી હોય છે કે તેઓ આખા જગતને ભુલાવામાં નાખી પોતાની ખૂની વૃત્તિને સંતોષે છે. કાંઈ નહિ તો છેવટે પોતાના પહેરેગીરને પણ મારીને તેઓ વલણને શાંત પાડે છે. એટલે તેમના અને સમાજના ભલા માટે તેમને જીવતા જ ન રાખવા એટલો જ ઈલાજ એમાં થઈ શકે છે.'

મને ઘણી વખત આ વાદવિવાદમાં અને અભિપ્રાયોના દિગ્દર્શનમાં મજા પડતી. પરંતુ એ સઘળો વાદવિવાદ અને અભિપ્રાયોના થોકડા મારી વિરુદ્ધ વપરાવાના છે એમ યાદ આવતાં હું પાછો ગમગીન બની જતો. ગમગીની એ આટલા દિવસોના અનુભવ પછી મારો સ્વભાવ જ બની ગયો હતો. મૃત્યુનો ડર પણ ઓછો થઈ ગયો હતો. મારા મનથી તે ચોક્કસ થઈ ગયું હતું. એટલે મોત સરખો ભયંકર બનાવ મને જાણે પરિચિત થઈ ગયો હતો. બંસરી વગરની દુનિયામાં બંસરીના ખૂની તરીકે ગણાઈને જીવવું એ પણ મને ભારે થઈ પડ્યું હતું.

સાક્ષી-પુરાવા, સર-તપાસ, ઊલટ-તપાસઃ એમ ઠીક લાંબા વખત સુધી ચાલી કામ પૂરું થવા આવ્યું. હું ઘણીય તપાસ કરતો પરંતુ જ્યોતીન્દ્રનો પત્તો મને લાગ્યો જ નહિ. તેની ભાળ કોઈને જ મળી નહોતી. પોલીસે બહુ કાળજીપૂર્વક તેની ખોળ કરી હતી, કારણ તે પોલીસનો અને ખાસ કરીને કમિશનરનો માનીતો હતો. પરંતુ તેમની તપાસનું પરિણામ કાંઈ જ આવ્યું હોય એમ મને જણાયું નહિ. એના ખૂનને માટે પણ હું દોષિત ગણાઈ ચૂક્યો હતો; અને જ્યારે ડૉક્ટરે હું સ્વભાવસિદ્ધ ખૂની છું એમ જાહેર કર્યું ત્યારે મારો કેસ સાંભળવા આવનાર લોકોની સહાનુભૂતિ પણ જાણે ઓછી થઈ ગઈ હોય એમ મને લાગ્યું.

કેસ પૂરો થયો. બંને પક્ષના વકીલોની છેવટની તકરાર શરૂ થઈ. નવીનચંદ્રે પોતાના ભાષણમાં પોતાનો પક્ષ રજૂ કર્યો :

'આ કામ જોકે લાંબુ ચાલ્યું છે છતાં તેથી તેનું છેવટ બહુ સરળ બની ગયું છે એ આપણે ભૂલવું જોઇએ નહિ. ખૂન થયું છે એ ચોક્કસ છે. લાશ ન મળે એથી ખૂન થયું જ નથી એમ માનવું એ થયેલા પુરાવા તરફ આંખ મીંચવા જેવું છે. લોહી પડ્યું છે, છરી મળી છે, છોકરી ગુમ થઈ છે, તેનો પત્તો નથી. જો જીવતી હોય તો તેનો પત્તો આટલા દિવસ સુધી ન લાગે એ અસંભવિત છે. તેની અધૂરી બૂમ સંભળાય છે, અને બૂમ પડ્યા પછી કોણ જોવામાં આવ્યું તે પણ સ્પષ્ટ નીકળી આવ્યું છે. બૂમમાં જ આરોપીનું નામ