પૃષ્ઠ:Bansari.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦: બંસરી
 

ઉચ્ચારવામાં આવ્યું, અને આરોપીને તે જ ક્ષણે નજરે જોનાર સાક્ષી છે. આરોપીએ શા માટે ખૂન કર્યું ? તેને ખૂન કરવા માટે શું કારણ મળ્યું ?

"આ બે પ્રશ્નો ઉપર મારા યુવાન મિત્ર બહુ આધાર રાખતા હોય એમ જણાય છે. સામા પ્રશ્ન હું પૂછું છું : કુંજલતાને આરોપીનું ખોટું નામ દેવાનું કાંઈ કારણ સાબિત થયું છે? શંકરને અને આરોપીને કશું વેર હતું કે જેથી તેને દીઠાની હકીકત તે ખોટી કહે ? એ જ યુવતી સાથે આરોપીનું લગ્ન થવાનું હતું. બીજા ઘણા સારા યુવાનો તેને મળી શકે એવી તે યુવતીની લાયકાત અને આર્થિક સ્થિતિ હતી, તેમ છતાં આરોપીની સાથે સંબંધ બાંધવા મરનાર બાઈ તેમ જ તેનાં સગાંવહાલાં આતુર હતાં. મારા ખંતીલા મિત્ર ઘણી ખંત વાપર્યા છતાં એવું કશું સાબિત કરી શક્યા નથી તે ફરિયાદી પક્ષને આરોપી ઉપર કોઈ જાતનું વેર કે અણગમો હતાં. જો તેમ નથી તો પછી તેમની જુબાનીમાં શંકા લેવા માટે કારણ નથી. એ જુબાની ખરી જ માનવાની છે."

"હવે જ્યારે જુબાનીઓ ખરી છે, ત્યારે બધા સંજોગો એક જ વાતને પુષ્ટિ આપે છે : આરોપીએ જ બંસરીનું ખૂન કર્યું છે. આરોપીને ખૂન કરવાનું કશું જ કારણ નહોતું એવી દલીલ આરોપી તરફથી થશે જ, તેનું હું પ્રથમથી જ સ્પષ્ટીકરણ કરવા ધારું છું. જો કાંઈ પણ કારણ નહોતું તો પછી આટલા દિવસ સુધી લગ્ન કેમ ન થયું ? એ પ્રશ્નનો ઉકેલ બચાવ પક્ષે કર્યો જ નથી. આપેલું વચન ખેંચી તો નહિ લેવું હોય ? બીજી જગાએ લગ્ન કરવાની આમાં તદબીર તો નહિ હોય ? બંસરીની હયાતી એ તેમાં વિઘ્નકારક પ્રસંગ કેમ નહિ હોય ? આમ અનેક જાતનાં કારણો જડી આવશે."

"પરંતુ મુખ્ય કારણ તો ડૉક્ટરની અને કંઈક અંશે હિંમતસિંગની જુબાનીમાંથી બેવકૂફને પણ જડી આવે એમ છે. આરોપીનું માનસ એવી જ રીતે ઘડાયું છે કે તેનાથી ખૂન કર્યા વગર રહેવાય જ નહિ. એક ખૂન માટે કારણ મળ્યું અને ખૂન કર્યું. એટલે તેનો સ્વભાવ બંધાઈ ગયો અને વારા ફરતી ખૂનના કરેલા પ્રયત્નો બદલ જોઈએ એટલો પુરાવો કામમાં પડ્યો છે."

"હું ધારું છું કે હવે મારે વધારે કહેવાની જરૂર નથી. નામદાર કૉર્ટ અમારા કથનને માન્ય કરી યોગ્ય સજા ફરમાવશે જ."

ટૂંકાણમાં આ તેમનું ભાષણ હતું. મારા વકીલે પણ બનતો પ્રયત્ન કર્યો. મારે કહેવું જોઈએ કે દિવ્યકાન્તે મારે માટે લીધેલી કાળજી કદી વિસરાય એવી નથી. મારા તરફ લાગણી થવાથી કહો કે પોતાને એક કેસમાં ભારે પ્રતિપક્ષી સામે આબરૂ બાંધવાની તક મળી હોય તે ખાતર