પૃષ્ઠ:Bansari.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
છેલ્લી ઘડીએ મહત્ત્વની સાક્ષી

આંસુના નીરના કો આશાના અક્ષરો,
આછા આછા તો યે લૂછશો મા !
મારા હૈયાની વાતડી પૂછશો મા.
ન્હાનાલાલ

જ્યૂરીએ ધાર્યા કરતાં વહેલો અભિપ્રાય આપ્યો. મને વધુ મતે તેમણે ગુનેગાર ઠરાવ્યો. તેમનો મત સાંભળી મેં મારું ડોકું નીચે નમાવ્યું. ન્યાય એ કેવી અટપટી ભુલભુલામણી છે તે મને પ્રત્યક્ષ થયું. હું નસીબ સિવાય કોને દોષ આપું ? જ્યૂરીવાળા ગૃહસ્થો અપ્રામાણિક હતા એમ માનવાનું કારણ નથી, તથાપિ ‘અમે બહુ જ પ્રામાણિક છીએ’ એવો પોતાને માટેનો અભિપ્રાય માણસને અજાણતાં જ નૈતિક ઘમંડમાં નાખી દે છે, અને પ્રામાણિક થવાની અને મનાવાની લાલસાથી અનેક અપ્રામાણિક વર્તનો થયે જાય છે.

સામાવાળા વકીલ નવીનચંદ્રનું મુખ પ્રફુલ્લિત થયું. ફાંસીને લાકડે ચડાવ્યાની અગર ફાંસીએ લાકડેથી બચાવ્યાની કીર્તિ એ વકીલોનું ધ્યેય હોય છે. વિજયનો પ્રભાવ જ એવો હોય છે. પરંતુ મારા વકીલ દિવ્યકાન્તના મુખ ઉપર કશો ફેરફાર થયો જણાયો નહિ. અસીલોને માટે લોહી ચૂકવ્યે વકીલોને ફાવે જ નહિ, એટલે તેમને કશી દિલગીરી થતી નહિ હોય એમ મેં ધાર્યું.

કોર્ટમાંથી કોઈ ખસ્યું નહિ. સાધારણ અવરજવર સિવાય બધા લોકો છેવટનો ચુકાદો સાંભળવા બેસી રહ્યા. આ મુકદ્દમાએ એટલું બધું લોકોનું ધ્યાન ખેંચ્યું હતું કે પરગામથી પણ સાંભળવા માટે લોકો આવી બેસતા. આ સઘળા લોકોની આંખ વારંવાર મારા તરફ દોરાતી. કોઈ મારી દયા ખાતું હશે અને કોઈ મારો તિરસ્કાર કરતું હશે, દયાની તેમ જ તિરસ્કારની એમ બંને નજરો મને અપ્રિય થઈ પડી. દૂર એક ખુરશી ઉપર કુંજલતા બેઠી હતી. તેની આંખો વારંવાર ભરાઈ આવતી મેં જોઈ.

નામદાર ન્યાયમૂર્તિ આવ્યા. તેમનું મુખ ગમગીન લાગતું હતું. ગુનાઓ અને ગુનેગારોના જ વાતાવરણમાં સદાય રહેતા ન્યાયાધીશને