પૃષ્ઠ:Bansari.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪ : બંસરી
 


'હવે મારાથી સમય ફેરવાય નહિ. એક વખત હું જાહેર કરી ચૂક્યો છું, ન્યાયાધીશે કહ્યું.

‘માનવંતા સાહેબ ! મારી ખાસ વિનંતિ છે. મારા વિદ્વાન મિત્ર પણ એ સંબંધમાં વાંધો નહિ લે.’

'હું શા માટે વાંધો ન લઉં ? મારો ખાસ વાંધો નોંધી રાખવાની જરૂર છે. આવી છોકરવાદી કરવાથી અસીલોનો બચાવ કરવાનો પ્રયત્ન સફળ થવાનો નથી. ઊલટું ન્યાયના કામમાં ઢીલ થાય છે.’

મારા વકીલે કહ્યું : ‘મારે ખાસ કારણ ન હોત તો હું વચ્ચે બોલત જ નહિ.’

આ બધી વાતચીત દરમિયાન કોર્ટમાં અશાંતિ ફેલાઈ ગઈ. શા માટે મારા વકીલ ઠરાવ વાંચવાનો સમય લંબાવવા માગે છે તે કોઈથી સમજી શકાયું નહિ. મને પણ મારા વકીલનું આવું વર્તન ઠીક ન લાગ્યું. આવી નજીવી યુક્તિઓથી મરતા માણસને બચાવી શકાય જ નહિ.

ન્યાયાધીશે પૂછ્યું :

'તમારે શું કારણ છે ?'

‘કારણ પૂછવા માટે નામદારનો હું આભારી છું. મારું કારણ આ રહ્યું .’ એટલું કહી. જરા આગળ જઈ એક નાના કાગળના પરબીડિયાને તેમણે ન્યાયાધીશના મેજ ઉપર મૂકી દીધું.

નવીનચંદ્ર ખૂબ ગુસ્સે થયા અને બોલી ઊઠ્યા :

‘આ બધું ધોરણ વિરુદ્ધનું વર્તન થાય છે.’

પરંતુ ન્યાયાધીશે તે સાંભળતાં જ પરબીડિયામાંથી કાગળ કાઢ્યો અને વાંચી એકદમ વિચારમાં પડી ગયા. આખી કૉર્ટ પાછી શાંત થઈ ગઈ. ન્યાયાધીશે ખિસ્સામાંથી ઘડિયાળ કાઢી જોયું અને બોલ્યા :

‘સાડાપાંચ થવા આવ્યા છે. જરૂર હોય અને બંને પક્ષના વકીલોને હરકત ના હોય તો એક કલાક કૉર્ટનો વખત વધારીએ.'

‘એ પ્રમાણે કરવાનું કારણ જણાવવું જોઈએ. નામદાર કોર્ટ તરફથી નવા વકીલોને રાહત મળે એ વિષે મારો વાંધો નથી , પણ આ કામે આરોપીના વકીલ ઉપર પારાવાર મહેરબાની કૉર્ટે બતાવ્યા કરી છે.’ નવીનચંદ્રે કહ્યું.

‘નવીનચંદ્ર ! આ વાંચો.' કહી ન્યાયાધીશે પેલો કાગળ તેમના તરફ ધર્યો. મેં ધારીને જોયું તો મને તાર જેવા રંગનો કાગળ જણાયો, નવીનચંદ્ર પણ પ્રથમ તો વિચારમાં પડ્યા; પણ છેવટે તેમણે કહ્યું :