પૃષ્ઠ:Bansari.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છેલ્લી ઘડીએ મહત્વની સાક્ષી:૧૩૫
 


‘હવે બધું કામ પૂરું થયું છે. શા માટે બિનજરૂરી હકીકત માટે આપણે થોભવું ?

‘હકીકત બિનજરૂરી જણાશે તો હરકત નહિ, પરંતુ એક કલાકમાં કાંઈ ઓછું વધતું થવાનું નથી. હું બેસવા માટે તૈયાર છું.’

એક બીજા વકીલ, જેઓ સામા પક્ષ તરફથી મદદમાં ઊભા હતા તેમણે પૂછ્યું :

ʻશી હકીકત ?ʼ

મારી નામરજી છતાં મારી શ્રવણેન્દ્ર તીવ્ર બની ગઈ. આ નવી હકીકત શી છે તે સાંભળવા હું ઉત્સુક બન્યો. મને બચાવવા માટે આ કાગળનો ટુકડો ઈશ્વરે નહિ મોકલ્યો હોય ? મને ઈશ્વર ઉપર શ્રદ્ધા ઉત્પન્ન થઈ.

ન્યાયાધીશે તાર લઈ વાંચી સંભળાવ્યો :

“મહત્ત્વની સાહેદી પૂરી પાડવા હું સાંજે આવું છું. કૃપા કરી કામ મુલતવી રખાવો. - જ્યોતીન્દ્ર.”

‘આ પ્રમાણે જ્યોતીન્દ્ર તરફનો તાર મને બચાવ પક્ષના વકીલ તરફથી મળ્યો છે. હવે સાંજની ગાડીનો સમય થયો છે એવા સંજોગોમાં કામ આગળ ચલાવવું કે કેમ તેની હું વિદ્વાન વકીલો પાસે સલાહ માગું છું.’

આખા ઓરડામાં હોહા થઈ રહી. લોકો અરસપરસ ખૂબ જોરથી વાતો કરવા લાગ્યા, અને પોતપોતાના અભિપ્રાયો દશાવવા લાગ્યા. સહુ કોઈના મુખ ઉપર એક જાતની ખુશાલી વ્યાપી હોય એમ જણાયું. મારા આનંદનો પાર રહ્યો નહિ. એ આનંદ મારા બચાવ માટેનો નહોતો, પરંતુ મારે માથે જ્યોતીન્દ્રના ખૂનની પણ શંકા રાખવામાં આવી હતી. તેનું એકા એક નિરસન થતું હોવાથી થયો હતો. મારો એ પરમ મિત્ર જીવતો છે એ જાણતાં જ મારો આનંદ અનવધિ બની ગયો.

વકીલોએ અંદર અંદર ગુફતેગો કરવા માંડી. હિંમતસિંગ કડક મુખ કરી ઊભા થયા. તેની કડકાઈમાં ધંધાધારીની ટેવ જ હતી, નઠારા માણસની ખારીલી રેખાઓ તેના મુખ ઉપર નહોતી. કુંજલતાના પિતાનું મુખ પડી ગયું, પરંતુ કુંજલતા વારંવાર રડતી હતી. તે હવે શાંત થઈ ગઈ અને સ્થિરતાથી મારી સામે જોવા લાગી.

ન્યાયાધીશ માટેનો મારો સખત અભિપ્રાય બદલાઈ ગયો. આ ક્ષણનું ધાંધળ અટકાવવા તેમણે પ્રયત્ન કર્યો જ નહિ. તેમને લાગ્યું કે કોર્ટમાં પણ કેટલીક ક્ષણો એવી આવે છે કે જે ક્ષણોએ કોર્ટ ગાંભીર્ય સાચવવાને