પૃષ્ઠ:Bansari.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬: બંસરી
 

બદલે ભેગી થયેલી મંડળીની કુતૂહલની લાગણી સંતોષાવા દેવી. તેઓ પણ એક પછી એક સારા વકીલોને પાસે બોલાવી જેમનો તેમનો અભિપ્રાય લેતા હોય એમ દેખાયું.

છેવટે તેમણે જરા મેજ ઠોક્યું. સહુ કોઈ વાત કરતું બંધ પડી ગયું. અને દરેકનું લક્ષ ન્યાયાધીશ તરફ દોરાયું.

તેમણે ગંભીર અવાજે કહ્યું :

‘જે બાજુએથી જ્યોતીન્દ્ર આવે છે તે બાજુની ગાડી સ્ટેશને ક્યારની ગઈ હશે. જો આ તાર ખરો હશે તો તેમના સંબંધી ખબર આપણને પા કલાક કે અડધા કલાકમાં મળી જશે. દિવ્યકાન્ત જણાવે છે કે તેમણે તેમનો ખાસ માણસ સ્ટેશને મોકલ્યો છે એટલે આ મહત્ત્વનાં કામે થોડી વાર થોભવા પૂરતી શાંતિ આપણે બતાવી શકીશું.’

એટલામાં બારી પાસે બેઠેલાં માણસોમાં ગરબડ થઈ રહી. એ લોકોએ બહારની બાજુએ આંગળીઓ કરવા માંડી. મારાથી જરા પણ ખસાય એમ નહોતું. બધા જ લોકો ઊભા થઈ ગયા, અને બહાર નજર નાખવા મંડ્યા. એક પછી એક ધક્કાધક્કી કરી બારી તરફ જવા લાગ્યા. પરંતુ એટલામાં જ કૉર્ટના બારણામાં ઝડપથી ત્રણ વ્યક્તિઓએ પ્રવેશ કર્યો, અને મને લાગ્યું કે મારું હૃદય ધડકતું બંધ થઈ ગયું.