પૃષ્ઠ:Bansari.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮: બંસરી
 

કરી આ ક્ષણે તેમણે જે મહાનુભાવપણું દર્શાવ્યું તે ઉપરથી મારી ખાતરી થઈ ગઈ કે ન્યાયાધીશ મનુષ્ય તો છે જ - પથ્થરની ન્યાયપ્રતિમા, ન્યાયમૂર્તિ જ માત્ર નથી. તેઓ આખી સભાના પ્રમુખ અને શાસક હતા. તથાપિ પ્રેક્ષકોના જેટલી જ લાગણીથી તેઓ આ નવીન સ્થિતિ વિષે આકર્ષાયા હતા એમ મને લાગ્યું.

દિવ્યકાન્તના શબ્દો સાંભળતાં હું મારા વિચારસ્વપ્નમાંથી જાગ્રત થયો. ચારે પાસનો ઘોંઘાટ એકદમ શમી ગયો, અને વિજયી યોદ્ધાના સરખા સ્પષ્ટ અને શ્વાભાવિક સરળ શબ્દો વડે મારા વકીલે સહુનું ધ્યાન ખેંચ્યું. તેઓ બોલ્યા :

‘નામદાર ! ઘણી વખત કલ્પના કરતાં પણ સત્ય વધારે વિસ્મયભર્યું નીવડે છે. આજે તેનું દૃષ્ટાંત આપની સમક્ષ રજૂ થાય છે. આગળ હવે શું કરવું તે મારે જણાવવાની જરૂર નથી. મારા અસીલ તદ્દન નિર્દોષ છે એ વિષેના પુરાવામાં હું બંસરીને જ રજૂ કરું છું. તેમના જ ખૂન માટે મારા અસીલ જેવા એક વિદ્વાન, ચારિત્ર્યશાળી સજ્જનને ગુનેગાર ઠરાવવા પ્રયત્ન ચાલી રહ્યો હતો. એ બહેનની હાજરીથી સદર આરોપ આપોઆપ નાબૂદ થઈ જાય છે. સામા પક્ષ તરફથી મહાપ્રયાસે ઊભી કરેલી સંભાવના હવે અસત્ય ઠરે છે. જોકે માનવંત જ્યૂરીએ મારા અસીલને ગુનેગાર કહ્યા છે, નવીન સંજોગોમાં તેઓ પોતાની ભૂલ જોશે અને અભિપ્રાય ફેરવશે.'

સામા પક્ષ તરફથી નવીનચંદ્રે વચમાંથી ઊભા થઈને જવાબ આપ્યો:

‘નામદાર ! મારા મિત્ર તરફથી ભૂલભરેલી રીતે હકીકત રજૂ થાય છે. બચાવ પક્ષનો પુરાવો પૂરો થઈ તેમની ઇચ્છા પ્રમાણે તે બંધ કરવામાં આવ્યો હતો. હવે નવીન પુરાવો આપવા માટે બચાવ પક્ષને અધિકાર નથી. વળી બંને પક્ષની તકરાર થઈ ગઈ છે. જ્યૂરીએ પોતાનો અભિપ્રાય આપ્યો છે. હવે વચ્ચે કોઈનાથી દરમિયાનગીરી થઈ શકે નહિ એમ મારું માનવું છે.'

આખી મેદનીમાંથી નવીનચન્દ્ર પ્રત્યે નારાજી અને ગુસ્સાના ઉદ્ગારો નીકળ્યા. એ અનુભવી વકીલે ધારી લીધું હશે કે એમ બનશે જ. છતાં પોતાના પક્ષ માટે આવી રીતે લડત ચલાવતા એ વૃદ્ધ વકીલને જોતાં મને કોઈ વૃદ્ધ રાજપૂત વીરનો ખ્યાલ આવ્યો.

ન્યાયાધીશ સહજ હસ્યા અને બોલ્યા :

‘હું, તમે અને સઘળા પક્ષકારો બંસરીને જોઈ શકીએ છીએ. છતાં