પૃષ્ઠ:Bansari.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો બચાવ:૧૩૯
 

તમારું એમ માનવું થાય છે કે તેમના ખૂનને માટે મારે આરોપીને સજા ફરમાવવી ?’

‘બેશક ! કોર્ટને હવે ફરી પુરાવો લેવા અધિકાર નથી.’

‘શા ઉપરથી કહો છો ?' નવીનચંદ્રે ત્રણ ચાર મોટાં પુસ્તકો ન્યાયાધીશની સામે મૂકી દીધાં. અને વિજયની આશા નહિ. છતાં સરસ લઢનાર તરીકેની શાબાશી મેળવવા વકીલ મંડળ સામે દૃષ્ટિ કરી.

ન્યાયાધીશે પુસ્તકો ઊથલાવી વાંચ્યાં. વાંચતે વાંચતે એકબે વખત જાણે તેઓ ના કહેતા હોય તેમ તેમણે ડોકું હલાવ્યું. છેવટે તેમણે કહ્યું :

‘આ ઠરાવો ચાલુ કામને લાગુ પડતા નથી. પરંતુ ધારો કે તે લાગુ પડે છે, છતાં જે ખૂન થયું જ નથી તેને માટે કહેવાતા ખૂનીને સજા થાય એવો કોઈ પણ કાયદાનો હેતુ નથી.’

‘હું તો માત્ર કાયદેસર શું છે તે જ બતાવું છું. ગેરકાયદે પુરાવો લેવાની તજવીજ થશે તો પ્રીવી કાઉન્સિલનાં દ્વારો કાંઈ બંધ થઈ ગયાં નથી.'

વકીલનું આ કથન સાંભળી ન્યાયાધીશ ખૂબ હસ્યા અને બોલ્યા :

‘નવીનચંદ્ર ! જીવતા માણસને મરેલું કલ્પી તમે કોઈને સજા કરાવવા પ્રીવી કાઉન્સીલ સુધી જશો તો ન્યાયની તવારીખમાં તમારું નામ અમર થઈ જશે !'

બધા વકીલો હસી પડ્યા. ઘવાયેલા યોદ્ધા માફક નવીનચન્દ્રનું મુખ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું. તેમના અત્યંત અનુભવી મગજે એક છેલ્લો મહાન પ્રયત્ન કરી જોયો. તેઓ જરા કડક શબ્દોમાં બોલ્યા : ‘મી. લૉર્ડ ! ન્યાય એ ગંભીર વસ્તુ છે. ગાંભીર્યને અને હાસ્યને બનતું નથી. છતાં આપ નામદાર તેમ જ મારા વકીલ બંધુઓ હસી રહે તો હું એક મહત્ત્વનો મુદ્દો રજૂ કરવા માગું છું.’

ન્યાયાધીશની હાસ્યવૃત્તિ આજે વધારે ખીલી નીકળી. તેમણે વકીલોને પૂછ્યું :

‘તમે બધાએ હસવું પૂરું કર્યું છે ?'

વકીલો ફરી હસી પડ્યા પછી ન્યાયાધીશે નવીનચંદ્રને તેમનો મહત્વનો મુદ્દો રજૂ કરવા ફરમાવ્યું. નવીનચંદ્ર બોલ્યા :

‘જ્યોતીન્દ્ર બે સ્ત્રીઓની સાથે આવ્યા છે એટલી વાતને કેમ આટલું બધું મહત્ત્વ અપાય છે તે હું સમજી શકતો નથી. બેમાંથી એક બાઈ બંસરી છે ! એમ મારા વિદ્વાન મિત્ર દિવ્યકાન્તનું ધારવું છે. પરંત એ ધારણા ખરી