પૃષ્ઠ:Bansari.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો બચાવ:૧૪૧
 

તેની નજર ઘડી ઘડી મળતી; પરંતુ નજર મેળવી બેસી રહેવું એ વિકળતા વધારવા જેવું છે. એકાએક કુંજલતા ધીમેથી આવી મને બોલાવી ગઈ.

‘ક્યાં જવું છે?' મેં પૂછ્યું.

‘તમે ચાલો તો ખરા !’ કુંજલતાએ કહ્યું.

કુંજલતાને હું સમજી શક્યો નથી. એ અજબ છોકરીને મારા તરફ ઘણો જ સદ્ભાવ હતો એ હું ડગલે ને પગલે જોઈ શક્યો હતો. છતાં કર્મયોગીના મંદિરમાં તેણે લીધેલું વિચિત્ર વલણ મને સમજાયું નહોતું. હું તેથી જરા ખમચ્યો.

‘બીશો નહિ. હવે તમને પિસ્તોલ મારવાની નથી.' તેણે સમજીને કહ્યું.

‘બીવાનું તો હવે હું ભૂલી ગયો છું.' મેં હસીને કહ્યું.

‘એમ ત્યારે હું બિવડાવું ? જુઓ, આ ઓરડામાં બેસો, અને હું બારણું બંધ કરુ છું.’

ખરે, મને ઓરડામાં બેસાડી કુંજલતા ચાલી ગઈ. અને જતે જતે એક પાસનું બારણું તેણે બંધ કર્યું. આ મશ્કરીનો તેનો શો હેતુ હશે તે હું વિચારતો હતો એવામાં જ બીજી પાસનું બારણું ઊઘડ્યું, અને દીપકના ઝાંખા પ્રકાશમાં મેં બંસરીને તે બારણામાં ઊભેલી જોઈ.

અમે પરસ્પર વાતો કરેલી હતી; અમે એકબીજાને કાગળો લખતાં હતાં; છતાં અત્યારે બંસરીને એકલી ઊભેલી જોતાં મારું હૃદય કેમ આટલું બધું ધડકી ઊઠ્યું હશે ? દસેક ક્ષણ અમારામાંથી કોઈની જ વાચા કેમ ઊઘડી નહિ હોય ?

'આવું કે ?' છેવટે કોયલ ટહુકી. બંસરીને કેટલે દિવસે મેં એકલી બોલતાં સાંભળી !

‘તમારા ઘરમાં એ પ્રશ્ન હોય ?' મેં જવાબ આપ્યો.

એનો જવાબ બંસરીએ આપ્યો નહિ. તે ધીમે પગલે મારી નજીક આવી અને પાસે પડેલી ખુરશી ઉપર બેસી ગઈ. જાણે ચંદ્ર ચાલી આવી સોડમાં બેઠો ન હોય, એવો મને ક્ષોભ થયો.

તેણે થોડી ક્ષણો બાદ પૂછ્યું :

‘તમારે ઘેર બોલાવો તો હું તમારા ઘરમાં પણ એ પ્રશ્ન પૂછીશ.’

‘મારે ઘેર ? હા, જરૂર પધારો.’

‘પધારવાનું નહિ, મારે રહેવાનું જ છે.’

‘મારા ઘરમાં ? હું શી સગવડ આપી શકીશ ?’