પૃષ્ઠ:Bansari.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિત્રનો બંદીવાન : ૭
 

જગતમાં મૈત્રી એ જ મોટામાં મોટો ભ્રમ હોય એમ મને લાગ્યું. સાર્જન્ટની સાથે બહાર નીકળ્યા સિવાય મારો છૂટકો નહોતો. બારણું ઉઘાડી તે મારી રાહ જોઈને જ ઊભો હતો. મને રીસ ચડેલી જ હતી; કોઈના પણ સામું જોયા વગર અને આવા મોટા પોલીસ અધિકારીઓને સલામ કર્યા વગર હું બહાર નીકળ્યો. સાર્જન્ટ પણ મારી પાછળ બહાર આવ્યો અને બારણું બંધ કર્યું. અંદરથી ખડખડાટ હસવાનો અવાજ મારે કાને પડ્યો. શું આ બધા મને હસે છે ? હું ત્યાં જ ઊભો રહ્યો. કમિશનરના ઓરડાની અને બહારના ઓરડાની વચમાં આવેલો આ ખંડ હતો. મારી ઈચ્છા થઈ કે બારણે કાન દઈ અંદર ચાલતી વાત હું સાંભળું. મારી આગળ વધવાની આનાકાની જોઈ સાર્જન્ટે કહ્યું :

'આપ બહાર આવો.'

‘હું અહીં જ ઊભો રહું તો શી હરકત છે?' મેં પૂછ્યું.

'આ કાંઈ બેસવા માટે સ્થળ નથી. બહાર તમે આરામથી બેસી શકશો.' સાર્જન્ટે નમ્રતાથી પરંતુ દૃઢતાથી જણાવ્યું.

‘તમારા આરામને જહન્મમાં નાખો !’ મેં કહ્યું. છતાં અહીં ઊભા રહ્યે ચાલે એમ નહોતું. હું બહારના ખંડમાં આવીને બેઠો અને કપાળ ઉપર હાથ દઈ બધી ઘટનાનો વિચાર કરવા લાગ્યો. આરોપ છેવટે મારા જ ઉપર ? અને કોના ખૂનનો ? બંસરીના ? જેને માટે હું પ્રાણ આપું તેના જ હું પ્રાણ લઉં ?

પણ કેમ નહિ ? જ્યારે બંસરીએ મારો સ્વીકાર કરવા ના પાડી ત્યારે એક વખત મારા મનમાં શું આવ્યું હતું ? મારો સ્વીકાર ભલે ન થાય, પરંતુ બીજા કોઈનો પણ નહિ જ. જો બંસરી બીજાને સ્વીકારે તો બંનેનું ખૂન...! અરે, મને કેવો ભયંકર વિચાર એક સમયે આવ્યો હતો ! એ જ વિચાર મૂર્ત સ્વરૂપ કેમ ન લે ? પ્રેમી પણ ખૂની બની શકે નહિ ? વિચાર કર્યો એ જ દોષ શું પૂરતો નથી ? મનુષ્યની વૃત્તિ ઉપરથી જો ગુનેગારી નિશ્ચિત થતી હોય તો શું હું ખૂનનો ગુનેગાર નહોતો ?'

પરંતુ એ બિચારીએ મારો અસ્વીકાર ક્યાં કર્યો હતો ? હું એકાએક નિર્ધન બની ગયો, સટ્ટામાં એકેફેરે બધી મિલકત ગુમાવી બેઠો, અને હજારોનું પોષણ કરવાની શક્તિ ધરાવનાર હું મારું પોષણ કરવા પણ અશક્ત બની ગયો ! બંસરી સાથે લગ્ન કરીને હું શું કરું ? તેને જ દુઃખમાં નાખું ? પ્રેમી તરીકે મારી શી ફરજ હતી ? બંસરીએ મારા પ્રત્યે બતાવેલી માયાનો દુરુપયોગ કરી મારા સરખા કંગાલ માનવીની સાથે તેનો જન્મારો ગુમાવવો, કે પ્રેમી તરીકે ઉદારતા બતાવી પથ્થર સરખું હૈયું બનાવી