પૃષ્ઠ:Bansari.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨:બંસરી
 


બંસરીને હસવું આવ્યું. હસતાં હસતાં તે બોલી :

‘આ જીદમાં તો આટલું થયું તોયે હજી સગવડની વાત કરવાની ? હવે તો તમે ના કહેશો તોયે હું તમારે ઘેર આવીશ, અને ઘર મારું બનાવી દઈશ.'

આ પછીના પ્રસંગની વિગતમાં મારે ઊતરવું નથી. એ વિગત અતિશય અંગત છે. છતાં આટલું તો કહીશ કે અત્યારે બંસરી સાથે મેં જે અડધો કલાક ગાળ્યો તે મારા જીવનનો મધુરમાં મધુર પ્રસંગ હતો. મેં અનેક દલીલો કરી. પણ મારી ખરાબ આર્થિક સ્થિતિનો, મારા અનિશ્ચિત ભાવિનો, કેસને અંગે મારે માટે ઉપસ્થિત થયેલી અનેક ચર્ચાઓ અને ચર્ચાઓનો કશો પણ વિચાર તેણે કર્યો નહિ, અને મારી સાથે મારી પત્ની તરીકે જીવન ગાળવાનો તેણે છેવટનો અડગ નિશ્વય કર્યો.

મેં અતિશય વિનવણી કરી તેને નિશ્ચય ફેરવવા આગ્રહ કર્યો. પરંતુ સ્ત્રીને કોઈ જીતી શક્યું છે ? મારા કરતાં તેનો આગ્રહ વધારે અડગ હતો. મારી ગરીબીથી તેને ભય થયો નહિ. મારાં અનિશ્ચિત ભવિષ્યે તેને વધારે ઉત્સુક બનાવી; અને મારી અપકીર્તિએ તેનામાં કોઈ અજબ વાત્સલ્યની ઊર્મિ ઉપજાવી. તેણે મારી નાને હામાં ફેરવી નાખી. મેં છેવટનો પ્રયત્ન કરી જોયો અને કહ્યું :

બંસરી ! તારા ખૂનનો આરોપ તો ખોટો પડ્યો છે. પરંતુ જો તું મારી સાથે લગ્ન કરશે તો હું ખરે ખૂની ગણાઈશ. મારા મનથી તો હું મને ખૂની માનીશ જ.'

એનો જવાબ જે મળ્યો. તે શબ્દોમાં વ્યક્ત થાય એમ નથી. મારા અને તેના હોઠ જ એ જવાબ ઓળખી શક્યા.