પૃષ્ઠ:Bansari.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
જ્યોતીન્દ્રની નોંધ

ન ભુલાતું તું ભુલી જા;
વિધિનું પાયું તે પી જા.
ગોવર્ધનરામ

મારા લગ્નને બીજે જ દિવસે જ્યોતીન્દ્રે મને જમવા બોલાવ્યો. મને, બંસરીને તથા કુંજલતાને તેણે આમંત્રણ આપ્યું. પરંતુ કુંજલતા અમારી સાથે આવી નહિ. એ રમતિયાળ, વહાલસોઈ છોકરી એકદમ ગંભીર બની ગઈ હતી, અને તેની આંખો જ્યારે ત્યારે કાંઈ ઊંડું નિહાળતી હોય એવો મને ભાસ થયા કરતો.

વ્રજમંગળા આગ્રહ કરી અમને જમાડતાં હતાં. જ્યોતીન્દ્રે વચમાં કહ્યું :

‘આ મારા ખૂનીને તારે ભૂખ્યો રાખવો છે ?'

‘શું અમસ્તા બોલ્યા કરો છો ?’ માતૃત્વભર્યા સ્વરે વ્રજમંગળા જરા સંકોચાઈને બોલ્યાં.

'હું અમસ્તો બોલું છું ? જો, સુરેશ ! થોડા દિવસ ગુમ થયો તેમાં આાણે પણ તને મારો ખૂની જ બનાવી દીધો. અહાહા ! તારે માથે આવેલા ખૂનોમાંથી એકાદ પણ ખૂન તે કર્યું હોત તો હું તને દેવીની માફક પૂજત ! આ તો તારાથી બન્યું કશું જ નહિ અને આખો સમુદ્ર તે ઉલેચાવ્યો !’ જ્યોતીન્દ્રે કહ્યું. લગ્નના ઉત્સાહમાંથી હું મારા ભયંકર ભૂતકાળમાં ખેંચાયો. મેં જરા રહી તેને પૂછ્યું :

‘જ્યોતીન્દ્ર ! બંસરીની શોધમાં થયેલા અનુભવો તું નોંધી રાખે તો કેવું ?'

‘હું તો મારા દરેક ગુનાની શોધખોળ નોંધી રાખું છું.' તેણે કહ્યું.

‘મને તે ન બતાવે ?’

‘મારી બધી નોંધ જોઈને શું કરીશ ? હમણાં તારો જ ઇતિહાસ તપાસ.'

'મને બતાવ ત્યારે.'