પૃષ્ઠ:Bansari.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪:બંસરી
 


‘આજની રાત અહીં રહે તો મારી નોંધ બતાવું.’

'કારણ ?'

'એ નોંધ હું કોઈને જ ધીરતો નથી.’

‘કબૂલ.’

જમી રહ્યા બાદ તેણે કબાટ ખોલ્યું, અને એક સુંદર ચામડાના પૂંઠાની ખિસ્સામાં સમાઈ જાય એવડી નોંધપોથી કાઢી મારા હાથમાં મૂકી. મેં તે વાંચવા માંડી. એમાં શું લખેલું હતું તે જાણવાની બંસરીએ તેમ જ વ્રજમંગળાએ પણ ઇચ્છા દર્શાવી. મેં બધાં સાંભળે એવી રીતે વાંચવાનું શરૂ કર્યું. જ્યોતીન્દ્ર દૂર બારી પાસે આરામખુરશી ઘસડી ગયો અને લાંબા પગ કરી, આંખો મીચી તેના ઉપર સૂઈ ગયો. સુંદર-છેકછાક વગરના ઝીણા અક્ષરે તેમાં નીચે પ્રમાણે હકીકત લખી હતી :

‘કર્મયોગી ! મેં એ નામ સાંભળ્યું ત્યારથી એને જોવાની મને ઇચ્છા થઈ. યોગીઓ સંસારમાં પ્રવેશ કરે નહિ, અને કરે તો શંકરાચાર્યની માફક સંસારને પલટી નાખે. મેં કર્મયોગીનાં દર્શન કર્યા. મને લાગ્યું કે તે યોગી નહિ પણ કોઈ વિલાસી પામર મનુષ્ય છે. યોગીનો વેશ પણ પોતાનું આકર્ષણ વધારવા માટે ધારણ કર્યો હોય એમ લાગતું હતું તે વાચાળ, બહુશ્રુત, હસમુખો અને આંજી નાખે એવો અસાધારણ મનુષ્ય તો હતો જ; તથાપિ તેની વૃત્તિઓ અંતરાત્મા તરફ વળવા કરતાં બહાર વધારે દોડતી હતી.

"આવા યોગીનો વેશ ધારણ કરતા પુરુષોમાં સ્ત્રીઓને આકર્ષવાની કોઈ ગૂઢ શક્તિ રહેલી હોય છે. sex appeal - વિજાતીય આકર્ષણનો સિદ્ધાંત એવા પ્રસંગોમાં બરાબર કાર્ય કરતો જણાઈ આવે છે. થોડી મુદતમાં તેને પ્રાપ્ત થયેલી પ્રખ્યાતિ, તેનું ભારે શિષ્યમંડળ અને એ મંડળમાં સ્ત્રીઓની થતી ભરતી : એ બધાં કારણોને લઈને આ કર્મયોગીનો બારીકીથી તપાસ મેં ક્યારનો શરૂ કર્યો હતો."

“તેનો શહેરમાં મઠ હતો; અને શહેર બહાર ધ્યાનમંદિરના નામે તેના શિષ્યોમાં ઓળખાતો એક સુંદર બંગલો હતો. એક વખત તેનો મઠ મેં જોઈ લીધો, પરંતુ જેવી સહેલાઈથી હું મઠ જોઈ શક્યો તેવી સહેલાઈથી હું ધ્યાનમંદિર જોઈ શક્યો નહિ. ધ્યાનમંદિરમાં કર્મયોગીની પરવાનગી સિવાય કોઈથી પ્રવેશ થઈ શકતો નહિ. તેના બે પ્રકારના શિષ્યોમાંથી ‘ગૂઢમંડળ’ના સભ્યો જ એ બંગલામાં જવાની હિંમત કરી શકતા."

"છતાં મેં એ સ્થળમાં પ્રવેશ કરવા માટે મારો બનતો પ્રયત્ન કરી