પૃષ્ઠ:Bansari.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬: બંસરી
 

બનશે એમ કદી કોઈ ધારે જ નહિ. છતાં મને એટલું તો લાગેલું કે સુરેશના મિત્ર સુધાકરને અને કર્મયોગીને કાંઈ ગાઢ સંબંધ છે. હું સુરેશને પૂછવાનું કરતો હતો. તેના જૂના મિત્રોમાં આવો કોઈ યોગસાધનામાં પડેલો મિત્ર હોવાનું મારા જાણવામાં નહોતું; માત્ર તેનો એક વૈજ્ઞાનિક મિત્ર માનસિક શક્તિઓ અને ભૌતિક શક્તિઓ સંબંધી માથાફોડ કરતો હતો. એટલું મારા જાણમાં સુરેશના કહેવાથી આવ્યું હતું. એ મિત્રો લડીને છૂટા પડ્યા હતા એટલું જ નહિ પણ સુરેશને મુશ્કેલીમાં મૂકવા તેમણે એકબે વખત પ્રયત્ન પણ કર્યો હતો. બંસરી અને સુરેશ વિષે આટલું પ્રાથમિક જ્ઞાન મને સહજ હોય જ."

"એકાએક તારીખ.... ... ની પાછલી રાતે કમિશનર સાહેબે મને ટેલિફોન ઉપર બોલાવ્યો અને જણાવ્યું કે બંસરીનું ખૂન થયું છે. એ ખૂન સુરેશે કર્યું છે એવો પણ શક જાય છે એવી હકીકત તેમણે મને કહી, અને સવારે જલદી મળવા જણાવ્યું."

"મેં તત્કાળ વિચાર કર્યો. ખૂનનાં કારણો કયાં હશે ? સુરેશ શા માટે ખૂન કરે ? તેને જો એમ લાગે કે બંસરી બીજાની સાથે ચોક્કસ સ્નેહમાં છે અગર બીજાની સાથે તેનાં લગ્ન થવાનાં છે તો તે ખૂન કરવા પ્રેરાય. પરંતુ તેવું કાંઈ હતું નહિ. મેં તત્કાળ પૂછ્યું કે બંસરીના શબ ઉપર પહેરો રખાવ્યો છે ? ત્યારે મને ખબર મળી કે શબનો પત્તો નથી પરંતુ ખૂન થયાનાં પૂરતાં ચિહ્નો છે."

"સુરેશને હું સારી રીતે ઓળખું છું. તે મારા ભાઈ સરખો મારો મિત્ર છે. એનામાં ખૂનીના ગુણ નથી એટલી તો હું ખાતરી રાખું જ. છતાં હું જે કહું તે મારે પુરવાર કરવું જોઈએ. એથી હું કાંઈ બોલ્યો નહિ. મને એકાએક એમ લાગ્યું કે શબનો પત્તો નથી ત્યારે એમાં કાંઈ ભેદ હોવો જોઈએ. સુરેશને ઘેર રાત્રે તપાસ કરાવી ત્યારે તેના માણસે જણાવ્યું કે તે તો આખી રાત ઘરની બહાર નીકળ્યો જ નથી."

"સુરેશે ખૂન નથી કર્યું એમ માની લઈ હું વિચારમાં આગળ વધ્યો. મને કર્મયોગી અને તેના યોગપ્રયોગો ધ્યાનમાં આવ્યા."

"હિપ્નોટિઝમ-પ્રાણવિનિમયની વિદ્યામાં Mediums મધ્યવર્તી સાધનોની ઘણી જરૂર પડે છે, અને ખાસ કરીને સ્ત્રીઓ તેમાં તેમના સ્વભાવને લઈને બહુ અનુકૂળ સાધન નીવડે છે, એમ હું જાણું છું. મને એમ લાગ્યું કે બંસરીને આવા મિડિયમ તરીકે ઉપયોગમાં લેવા કર્મયોગીએ ગુમ તો નહિ કરી હોય ?"

“સુરેશને બંસરીના ખૂનની ખબર પડશે એટલે તરત જ મારી પાસે