પૃષ્ઠ:Bansari.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૪૯
 

અંગત મિત્ર તરીકે ગણી તેઓ માન આપે છે, અને ગૂંચવણ ભરેલાં કાર્યોમાં મને સહાય અર્થે ખુલ્લા દિલથી બોલાવે છે."

"મારા સરખા બિનનોકર અને બહારના માણસને આવું મહત્વ મળ્યા કરે એ પોલીસખાતાના ઘણા અમલદારોથી સહ્યું જતું નથી. મારા કાર્યની વિરુદ્ધ તેઓ ઘણુંખરું પડે છે એટલું જ નહિ, પણ મારું કાર્ય સફળ ન થાય એ અર્થે ગુનાઓ છુપાવવાની પણ કેટલીક તરકીબો રચે છે. આ ઈર્ષા સકારણ છે એમ ધારી હું તે અમલદારોનાં કાર્યોની પરવા કર્યા વગર કમિશનર સાહેબના વિશ્વાસ ઉપર મારું કાર્ય કર્યો જાઉં છું."

"બંસરીના ખૂન સંબંધી કમિશનર સાહેબ આગળ મારા જતા પહેલાં ખૂબ ચર્ચા થઈ ગઈ હતી. ખૂનનો જેને માટે સંશય હતો. તે સુરેશ મારો અંગત મિત્ર હતો, એ વાત કમિશનર આગળ ભાર મૂકીને કહેવાઈ ગઈ હતી; અને તેટલા કારણથી મને આ કાર્યમાં બિલકુલ ન રોકવો એવી ઘણા ડાહ્યા ને પક્વ અમલદારોએ સલાહ પણ આપી. હું ગયો તે વખતે એ જ પ્રશ્ન ચર્ચાતો હતો."

“હું જાણી જોઈને સુરેશને મારી સાથે લઈ ગયો હતો. મારી ખાતરી હતી કે તેના વિરુદ્ધ વાતાવરણ જામી ગયેલું જ હશે. છતાં તેના દેખાવની અમલદારો ઉપર શી છાપ પડે છે તે જોવા ખાતર મેં એને કમિશનરના ઓરડામાં જ લીધો અને તેને પોલીસના અભિપ્રાય મુજબ શકદાર તરીકે ઓળખાવ્યો. કમિશનરે સ્વાભાવિક રીતે અને અત્યંત વિવેકપુરસર શકદારની હાજરીમાં ચર્ચા ન કરવા જણાવી સુરેશને બહાર બેસાડવા ફરમાન કર્યું. સુરેશને આ ન ગમે એ હું જાણતો હતો, પરંતુ કમિશનરનું કહેવું ખોટું નહોતું, એટલે મેં પણ તેને બહાર બેસવા જણાવ્યું."

"પછી કમિશનર સાહેબે સઘળા અમલદારોને ઉદ્દેશી કહ્યું - 'તમે બધા જ્યોતીન્દ્રની સહાય લેવા ના પાડો છો, તમારું કારણ ખરું હશે, તથાપિ જો શકદાર તેનો અંગત મિત્ર હશે તો તેના બચાવનો પ્રયત્ન કરતાં તમે જ્યોતીન્દ્રને કેમ રોકી શકશો ?"

"સહુ કોઈએ કમિશનરના કથનમાં રહેલું સત્ય સ્વીકાર્યું. મેં સહુની આગળ જાહેર કર્યું કે સુરેશ મારો મિત્ર છે એ વાત ચોક્કસ છે. એટલે હું પોલીસની સાથે રહીને તપાસ કરવાનો જ નથી."

“પરંતુ કમિશનર સાહેબને મારામાં વધારે શ્રદ્ધા હતી. તેમણે કહ્યું : ‘ચોવીસ કલાક લગી હું બધી તપાસ તમને સોંપું છું. પોલીસ તમારા કહેવા પ્રમાણે જ વર્તશે. ચોવીસ કલાક વીત્યે હું બીજો હુકમ આપીશ.’"

“અમલદારોના મુખ ઉપર પ્રસરેલી નાખુશી મેં જોઈ. મેં કમિશનર