પૃષ્ઠ:Bansari.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૫૧
 

પાસેથી પૂરી બાતમી કઢાવતા પહેલાં એ વ્યક્તિને જાણી લેવાની મને જરૂર લાગી.

‘એ જાણવા માટે જ મેં મારી મોટરને અટકાવવાનો દેખાવ કર્યો, અને શંકરને બોલાવી, તેની પાસે પાણી મંગાવી, તેને પૈસા આપી લલચાવવાનો ડૉળ કર્યો. શંકરની ઉપર નજર રાખનારું કોઈ હશે તો આમાંથી નીકળી આવશે એવી મારી ધારણા સફળ થઈ. પાણીનો ઘડો લાવી શંકર મારી સાથે વાતે વળગ્યો એ અરસામાં જ તેના ઉપર નજર રાખનાર પુરુષ તેને ધમકાવી અંદર મોકલવા લાગ્યો. મારો શૉફર મારી જ પાસે કેળવાયેલો હતો. એ મજબૂત અને વફાદાર નોકરને લીધે હું ઘણા સાહસોમાં ફતેહ મેળવી શક્યો છું એ મારે કબૂલ કરવું જોઈએ. મારા સહજ ઇશારાને સમજી લઈ શૉફરે તે માણસને પકડી લીધો અને તેની સાથે તે મારામારીમાં ઊતર્યો. મારે એ મનુષ્યને ઓળખી લેવો હતો; અને દસબાર સેકંડ પણ હું તેને જોઉં તો તેને ભૂલું નહિ એટલો પારખી લઉં, એ વિચારે જ મેં શૉફરને લઢવા માટે ઇશારો કર્યો હતો.'

‘એ માણસને મેં જોયો, તપાસ્યો, એટલું જ નહિ તેને હાથે કાચ વાગ્યો હતો. એની પણ માહિતી તેની જ પાસેથી કઢાવી. ખૂન થયેલા ઓરડામાંથી સુરેશનો હાથરૂમાલ અને તેના હાથની લખેલી કોઈ કવિતા મળી આવ્યાં એ વાત મને મહત્ત્વની લાગી નહિ. સુરેશ અને બંસરીને પરસ્પર પરિચય હતો જ. એટલે હાથરૂમાલ અને કવિતાઓની આપલે થાય અને તે બંસરીના મકાનમાં સહેલાઈથી મળે એમાં કાંઈ નવાઈ નહોતી. કવિતાના શબ્દો જોતાં કલાપીની ગઝલના ઉદ્ગારોમાંથી એ તૂટક શબ્દનો મેળ મળી આવતો હતો :

'કફન વીણ લાશ વેરાને દીવાનાની પડી દિલબર
  • * *
દુવાગીર આ તમારાથી અઈ જલ્લાદની તલવાર !'

વગેરે મને યાદ રહેલી પંક્તિઓ ઉપરથી કાગળમાં પ્રેમપત્ર સિવાય બીજું કશું જ મહત્ત્વ નહોતું એટલું સિદ્ધ થયું.'

‘ઓરડામાં લોહી પડ્યું હતું અને છરી પણ હતી; પણ તે બંસરીનું ખૂન થયું તેથી કે બંસરીનું ખૂન કરનારને વાગ્યું હોય તેથી ? બંને સંભવિત હતાં. પેલા ગૃહસ્થના હાથ ઉપર પાટો બાંધ્યો હતો અને તેમને કાચ વાગ્યો હતો. એમ તેમનું કહેવું હતું. તેઓ ઘરના નોકર ઉપર હુકમ બજાવી શકતા હતા, છતાં અત્યાર સુધી બિલકુલ કોઈની નજરે જ પડ્યા નહોતા. મારે એ