પૃષ્ઠ:Bansari.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮: બંસરી
 

બંસરીને છૂટી કરવી ? ઉદારતાના આવેશમાં મેં તેને પત્ર લખ્યો, અને બંસરી સરખી સુખમાં ઊછરેલી યુવતીનો મારા પ્રેમની ખાતર ભોગ આપવા મેં અનિચ્છા દર્શાવી. તે બિચારીએ પુછાવ્યું કે મારે તેની દયા ખાવાની જરૂર નહોતી. મને સ્વીકારી તે જરા પણ પોતાનો ભોગ અપાયાની કલ્પના કરી શકતી નહોતી; માત્ર નવીન સંજોગોમાં તે મારા ઉપર ભારરૂપ થઈ પડવાની જ ના પાડતી હતી. ‘જો આપ મને ભારરૂપ માનતા હો તો હું ખસી જાઉ છું.' મારી ઉદારતાએ માજા મૂકી. પ્રેમી હાથે કરીને કેમ દુઃખી બને તેનું મેં દૃષ્ટાંત પૂરું પાડ્યું. મેં લખ્યું : ‘મારી વર્તમાન સ્થિતિમાં હું જ મારી જાતને ભારરૂપ છું તો પછી હું તને શો જવાબ આપું ?' બિચારીએ લખ્યું : 'હું તો આપનો ભાર હળવો કરત, પરંતુ આપને એમ લાગતું હોય કે આપ મારાથી જ કચડાયેલા રહેશો તો ભલે, આપ આજથી છૂટા છો એમ માનજો. મારો વિચાર ન કરશો, અને હું શું કરીશ એ પૂછશો નહિ.’ અને પછી મેં વાત સાંભળી કે એના કાકાએ એનું લગ્ન બીજે નક્કી કર્યું. કોનો દોષ? એનો ? જરા પણ નહિ. ત્યારે મારો ? મેં શું ખોટું કર્યું હતું ? કોઈનો જ દોષ નહિ તો પછી આ વાત સાંભળી મને સહુનું ખૂન કરવાની કેમ ઈચ્છા થાય? મારો પ્રેમ સ્વાર્થી તો ખરો જ ને ?’

આ હું વિચારોમાં રોકાયો હતો. એટલામાં મારી નજર પેલા સાર્જન્ટ ઉપર પડી. જરા પણ હાલ્યાચાલ્યા વગર ઊભી રહેલી તેની આકૃતિમાં ઝડપ દેખાઈ. તે ઓરડામાંથી બહાર ઉતાવળથી જતો જણાયો. હું સાવધાન બન્યો. આ માણસ મારા ઉપરથી આંખ દૂર કરે તો હું અંદર જઈ, બારણા પાસે ઊભો રહી, કમિશનરની મસલત સાંભળી લઉં. જેવો તે બહાર નીકળ્યો કે તરત હું ખુરશી ઉપરથી ઊભો થયો અને કોઈને ખબર ન પડે એવી રીતે કમિશનરના ખંડના બારણા પાસે જઈ ઊભો. મેં વાતચીત સાંભળવાનો પ્રયત્ન કર્યો. જ્યોતીન્દ્ર બોલતો હતો :

'તમને બધાને આ સંજોગોમાં સુરેશ ઉપર વહેમ આવે એ સ્વાભાવિક છે. મને પણ વહેમ આવે.'

આગળ વાતચીત સંભળાય તે પહેલાં પાછળથી મારા ખભા ઉપર મજબૂત પંજો પડ્યો. પાછળ જોયું તો પેલો સાર્જન્ટ કડક મુખ કરી ઊભો રહ્યો દેખાયો. ‘કેમ ? શું છે ? જરા કડકાઈથી પૂછ્યું.

‘આપને આગલા ખંડમાં બેસવા કહ્યું હતું; પછી અહીં કેમ આવ્યા?'

'મને તમારો બંદીવાન ધારો છો ?’

'પણ જેમાં આપનો સંબંધ નથી તે વાત આપ છૂપી રીતે કેમ સાંભળી શકો?