પૃષ્ઠ:Bansari.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪: બંસરી
 


'હા, એમને જ કહેજે. એ લક્ષ્મીકાન્તભાઈ કેટલા દિવસથી આવ્યા છે?"

'બે મહિના થયા હશે.' અહીં શું કર્યા કરે છે ? ઘરમાંથી તો બહાર નીકળતા નથી.’

'એ તો કુંજલતાબહેનના મામા થાય. ફક્ત રાત્રે જ બહાર નીકળે છે.'

'જા, પહેલો જઈને કહી આવ...' ‘કુંજલતાના મામા લક્ષ્મીકાન્ત બત્રીસેક વર્ષના જાણીતા સટોડિયા અને વ્યસની ગૃહસ્થ હતા એટલું જ માત્ર નામથી હું જાણતો, મેં તેમને જોયેલા નહિ. મને એકાએક વિચાર આવ્યો અને આખા કાવતરાની કૂંચી મને જડી હોય એમ લાગ્યું.

"શંકર અંદર ગયો અને હું વિચારમાં પડ્યો. થોડી વારે લક્ષ્મીકાન્ત આવ્યો. એમની જ મારે જરૂર હતી; એ જ ગૃહસ્થની સાથે સવારમાં મારા શૉફરે મારામારી કરી હતી. ધીમે રહી બારણું ઉઘાડી તેમણે બહાર ડોકિયું કર્યું. મેં બહારથી કોઈ આવે છે એમ ધારી મુખ ફેરવી લીધું. મારો માત્ર પોશાક દેખાય તો એક સાધુ તરીકે માની તે બહાર નીકળી આવે એમ ધારી મેં મારું મુખ જોવા દીધું નહિ. ધીમેથી તેઓ બહાર નીકળ્યા અને ઓટલા ઉપર મેં બીજી પાસ મુખ રાખેલું તે ફેરવ્યું નહિ. તેમણે ધીમેથી પૂછ્યું :

'બાવાજી ! તમે મને ખબર મોકલાવી ?’

ઝડપથી તેના સામું ફરી મેં જવાબ આપ્યો :

'હા.'

‘શું કહો છો ? ખરી વાત ?' અત્યંત આવેશમાં આવી જઈ લક્ષ્મીકાન્ત બોલી ઊઠ્યા.

‘હું ખોટું કહું? મારો વિશ્વાસ નથી ? મને ઓળખો તો છો ને ? મેં ગ૫ મારી. સવારે લક્ષ્મીકાન્ત મને જોયો હતો. એટલે મારી આકૃતિ સાંભરવાનો પૂરો સંભવ હતો. માત્ર વેશપલટાને લીધે હું કોણ તે નક્કી કરી શકશે નહિ એવી ખાતરી હતી.

‘હા, હા, તમને જોયા તો છે. બંસરીએ જરૂર હા પાડી ?’

‘એક વખત તો તમને કહ્યું. હવે તમે અને મહારાજ લાંબો વખત