પૃષ્ઠ:Bansari.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૫૫
 

અહીં રોકાશો નહિ. પોલીસ તમારી પાછળ છે.’

‘શા ઉપરથી કહો છો ?’ તેણે પૂછ્યું.

‘તમે લાંબી પૂછપરછ નહિ કરો.’ મેં જરા ધમકાવીને કહ્યું. ‘પેલો માણસ ઊભો છે તેને જોયો ?’ દૂર ઊભેલા મારા શૉફર તરફ આંગળી કરી મેં જણાવ્યું. તેણે શૉફરને ઓળખ્યો, અને જરા ભય પામી કહ્યું :

‘અમે જલદી ધ્યાનમંદિરમાં જઈશું. પાછલે બારણેથી.’

"લક્ષ્મીકાન્ત અદૃશ્ય થઈ ગયો. હું જઈને મારી મોટરમાં બેઠો અને મોટર ફેરવી બંસરીના મકાનને પાછલે બારણે જઈ મોટર થોભાવી ઊભો."

“અંદરથી તત્કાળ કર્મયોગી અને લક્ષ્મીકાન્ત નીકળ્યા, મારો ઝભ્ભો મેં કાઢી નાખ્યો હતો. મારી મોટર જોઈ તેઓ ચમક્યા અને અંદર જવા માગતા હોય તેમ પગ પાછો મૂક્યો. શૉફરને કહ્યા પ્રમાણે ઝડપથી તેણે મોટર ચલાવી. છેક પગથિયા પાસે જઈ હું પસાર થયો. પસાર થતાં થતાં મેં કર્મયોગીને ઝડપથી નમસ્કાર કર્યા અને બૂમો પાડી :

'જય જય મહારાજ !"

"મારી મોટર ચાલી ગઈ. તથાપિ રસ્તામાં જ તેને રોકી મેં મારા શૉફરને ઉતાર્યો અને કર્મયોગી તથા લક્ષ્મીકાન્ત ક્યાં જાય છે તેની માહિતી મેળવવા મેં જણાવ્યું."

“ઘેર જઈ હું જમ્યો. મને વિચાર આવ્યો કે આ કાવતરું એક માર્ગે વહન કરતું નહિ હોય. સુરેશને બીજી રીતે સપડાવવાનો પ્રયત્ન ચાલુ હોવો જોઈએ. બંસરીના ખૂન કરતાં સુરેશનું ખૂન થઈ જાય એવો મને આખા કાર્યનો ઘાટ લાગ્યો. સુરેશને માથે બંસરીના ખૂનનો આરોપ આવે એવી પેરવી થઈ ચૂકી હતી. એટલે તે કદાચ છૂટો રહે તેટલા સમયમાં તેનું કાસળ જ નીકળી જાય એમાં મને નવાઈ લાગી નહિ."

"મારો એ ભય ખરો પડ્યો. ભયને પરિણામે હું સુરેશને ઘેર ગયો. સુરેશ બહાર નીકળી ગયો હતો. તેના રમૂજી રસોઈયા ગંગારામની સાથે વાતચીત કરી તેમાંથી સુરેશ ઝડપથી બહાર નીકળી ગયાની ખબર પડી. મેજ ઉપર સુધાકરના અક્ષરોવાળું પાકીટ જોઈ મને નવાઈ લાગી. મેં કાગળ લીધો અને સદગૃહસ્થાઈને બાજુએ મૂકી કાગળ ઉઘાડ્યો. બીજાના પત્રો વાંચવા એ ગૃહસ્થાઈનો ભંગ કરવા જેવું જ ગણાય છતાં."

"કાગળ કોરો હતો."

“મને શક પડ્યો. મેં દેવતા ઉપર તેને તપાવી જોવા ઇચ્છા કરી, ગંગારામને નાની સઘડી લાવવા જણાવ્યું. અને મેં જે ધાર્યું હતું તે જ ખરું