પૃષ્ઠ:Bansari.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦: બંસરી
 

મુખ સામે પ્રકાશ ધર્યો તો મારી ખાતરી થઈ કે એ સ્ત્રી તો કુંજલતા હતી.

‘તમે અહીં ક્યાંથી ?’

‘મને ના પૂછશો. હું પગે લાગું છું.’ ગભરાઈને કુંજલતાએ જવાબ આપ્યો.

‘તમે જરા પણ બીશો નહિ. બંસરીનું ખૂન થયું નથી એવી મારી ખાતરી છે. તેને હું જલદી ખોળી કાઢીશ. પણ તમે મને આ કામમાં શી સહાય આપશો ?' મેં પૂછ્યું.

‘મારાથી કશી સહાય અપાય એમ નથી; હું પરવશ છું !’

‘તમારા મામા લક્ષ્મીકાન્તનું બંસરી સાથે લગ્ન થાય તો તમને કશી હરકત છે?' મેં પૂછ્યું.

'તે એકદમ આાભી બની ગઈ. પછી જરા રહી. મને પૂછવા લાગી :

‘તમે ક્યાંથી જાણ્યું ?'

‘મારાથી કશું જ અજાણ્યું રહેતું નથી. મને તો તમે ઓળખો છો ને ?’

‘હા. સુરેશભાઈની સાથે આપ આવ્યા હતા. બધાં કહેતાં હતાં કે તમે એમના મિત્ર છો અને બહુ ભારે ડિટેક્ટિવ છો.’

"સુરેશના નામોચ્ચારણ સાથે તેના મુખ ઉપર થતા ભાવ મારી નજર બહાર રહ્યા નહોતા. કુંજલતા સુરેશને ચાહતી હતી, જોકે બંસરી સુરેશને ચાહે છે એમ તે જાણતી હતી. છતાં પ્રેમનો વિચિત્ર માર્ગ એવો છે કે એક જ પુરુષને - એક જ સ્ત્રીને ચાહનાર બે વ્યક્તિઓ હોઈ શકે છે. આ કાવતરામાં પણ એ જ કારણે તેણે ભાગ લીધો હશે એવી મારી ખાતરી થઈ ગઈ. તેના મામાની સાથે પરણે તો પોતાને માટે સુરેશ ખાલી રહે એ વિચાર આવવો સ્વાભાવિક છે. બંસરીની મિલકત અને તેનું રૂપ લક્ષ્મીકાન્ત સરખા વિષયી જુગારપ્રિય મનુષ્યનું ધ્યાન ખેંચે એમાં નવાઈ નહિ. તેમાં બંસરીના પિતા ગુજરી જતાં પોતાની બહેન, જે બંસરીની કાકી થતી હતી તેની મારફત બંસરીનું લગ્ન પોતાની જોડે કરવાની તરકીબ લક્ષ્મીકાન્તે રચી હતી. તેમાં સફળ ન થવાથી તેમણે કર્મયોગીની સહાય લીધી હતી. એ વાત પણ મને લક્ષ્મીકાન્તને જોતાં જ સ્પષ્ટ થઈ ગઈ હતી.

"મેં કુંજલતાને કહ્યું :

' “તમને સુરેશ માટે ભાવ હોય, તો તમારે તેને બચાવવો જોઈએ. એનું ખૂન કરવાનો પ્રયત્ન થાય છે.’

"કુંજલતાએ એક નિઃશ્વાસ નાખ્યો. મેં કહ્યું :

"તમે જરા પણ ફિકર કરશો નહિ. માત્ર મને બધી હકીકત જણાવો.