પૃષ્ઠ:Bansari.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪: બંસરી
 


"પરંતુ એ ભ્રમણા નહોતી. કર્મયોગીએ કુંજલતાને તે બાજુએ પિસ્તોલ તાકવાની આજ્ઞા કરી. એટલે કર્મયોગીએ પણ જાણ્યું જ હશે કે કોઈ તેના કૃત્યને એ જાળીમાંથી જુએ છે. મને ડર પેઠો : સુરેશ તો ત્યાં નહિ તે હોય ? કુંજલતા બેભાન હતી - કર્મયોગીના માનસિક બંધનમાં હતી, છતાં તેણે આનાકાની કરી. મારાથી જાળી બહાર દેખી શકાતું નહોતું. કર્મયોગી એક મહાસમર્થ સંકલ્પ બળવાળો પુરુષ હતો. એટલી તો મારી ખાતરી થઈ. બે કે ત્રણ આજ્ઞામાં તેણે કુંજલતાના વિરોધી સંકલ્પને વશ કરી લીધો, અને કુંજલતાએ નિશાન તાક્યું. સુરેશ જ ત્યાં હશે ! તે હોય કે ન હોય તોપણ કોઈનું ખૂન થાય છે એમ મેં ધારી લીધું. હું હત્યા કરી શકતો નથી અને તે થતી જોઈ શકતો નથી. મેં ઝડપથી ધસી જઈ કુંજલતાની પિસ્તોલ પાડી નાખી.

‘મારામારીનો પ્રસંગ આવશે એ તો હું જાણતો જ હતો. પરંતુ તેવા પ્રસંગો મને ગભરાવતા નથી. એ મારામારીમાંથી જ મને સુરેશ જાળીમાં હોવાના ખબર પડ્યા. તેણે પિસ્તોલથી ડરાવી બીજા માણસોને નસાડી મૂક્યા; અંધારું થયું. કર્મયોગી આવ્યા અને ગયા. પરંતુ એ પછી મને જે અનુભવ થયો તે મારા સરખા નીડર માણસને પણ ભયનું ભાન કરાવે એવો હતો. આખો માળ ઊંચકાઈ આવી મને છત સાથે કચરી નાખવા મથતો લાગ્યો, હું ઊંચે અને ઊંચે ચઢતો હતો. ઓરડીનાં બારીબારણાં ક્યાં ગયાં તેની પણ મને ખબર રહી નહિ. ચારે પાસ, ભીંતો ખોળી વળ્યો, માળની તસુએ તસુ જગા જોઈ વળ્યો, પરંતુ ક્યાંથી નીકળી શકાય એવો કોઈ જ રસ્તો જણાયો નહિ. કોઈ પણ મુશ્કેલ સ્થિતિમાં હું ગૂંચવાઉ નહિ એવું મને અભિમાન હતું; એ મારું અભિમાન બાજુએ રહી ગયું. એક ક્ષણ તો મારી ખાતરી થઈ કે કર્મયોગીનું ભયંકર યંત્ર મારો ભુક્કો કરી નાખશે !

“હું ઊંચો અને ઊંચો ચાલ્યો જતો હતો. મને જણાયું કે મારી જીભ સુકાય છે. મારા હાથ હવે છતને અડક્યા. છત ઉપર હું હાથ ફેરવી વળ્યો. કાંઈ પણ સાધન છતમાંથી નાસી છૂટાય એવું મળ્યું નહિ. છત ઉપર મેં હાથ પછાડ્યા. પાટિયાંની તે બનેલી લાગી. પાટિયાં મજબૂત સપાટ હતાં. ખૂબ જોરથી કામ કરતા મારા મગજમાં એક વિચાર આવ્યો : આ પાટિયાં કપાય પણ શી રીતે કપાય ? મારી પાસે કશું હથિયાર નહોતું. મેં સુરેશને પૂછ્યું કે તારી પાસે ચપ્યુ સરખું કશું હથિયાર છે કે કેમ ? તેણે ના પાડી. મારી શ્રદ્વા ઘટી ગઈ. હવે છત સાથે કચડાઈ ગયા સિવાય છુટકો જ નહોતો. હું નીચે બેઠો. સારામાં સારી રીતે કેમ મરવું તેનો હું વિચાર કરવા