પૃષ્ઠ:Bansari.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૬૫
 

લાગ્યો. બહાર પોલીસ સુરેશને પકડવા મથતી હતી. તેનું કથન કોઈ સાંભળતું નહોતું. એવામાં બે સંગીન તેણે અંદર ફેંક્યાં, પોલીસ પાસેથી તેણે ઝૂંટાવ્યાં હશે એમ લાગ્યું.

“સંગીન જોતાં મને શ્રદ્ધા આવી. કર્મયોગીનો પ્રસંગ મને મહાત કરે એ મારાથી સહન થયું નહિ. ઊંચે વધ્યે જતા માળનું બળ છત ચીરવા માટે ઉપયોગમાં લેવા ધાર્યું. સંગીનો બંને હાથે છત સામે ખોસી દીધાં. માળનું અને મારું બંને બળ ભેગું થયું. પાટિયાં ચિરાવા લાગ્યાં. મારું માથું હવે છત સાથે અડક્યું. હું સૂતો. સૂતે સૂતે હાથ લંબાવી પાટિયામાં કાણું પાડવાનું મંથન મેં ચાલુ રાખ્યું. સંગીન પાટિયાંની બહાર ચાલ્યાં ગયાં હોય એમ લાગ્યું. મેં તે પાછાં ખેંચી બીજી બાજુએ જોર કર્યું. ત્યાંથી પણ પાટિયાંએ માર્ગ આપ્યો. આમ ચારે બાજુએ સંગીન ઠોકી એક નાનો ચોરસ મેં કોરી કાઢ્યો. પરંતુ હવે શું કરવું ? માળ અને છત ભેળાં મળીને મને કચરી નાખવાની તૈયારીમાં હતાં, મૃત્યુના ભયની તૈયારીમાં બધું બળ અજમાવી એક ભયંકર લાત એ ચોરસામાં મારી સંગીન તૈયાર કરેલો ચોરસ તૂટી ગયો અને નાનું બાકું પડી રહ્યું. બહુ જ ઉતાવળથી સંકોચાઈ શરીર ઘસવીને હું બાંકામાં પેસી ગયો અને તત્કાળ માળ અને છત પરસ્પર દબાયાનો ભયાનક અવાજ મારે કાને પડ્યો ! આવી રીતે મને કચરી મારી નાખવાની યુક્તિ આ મકાનમાં રચાઈ હશે એની મને ખબર નહોતી, એ માટે હું તૈયાર નહોતો. હું બચી શક્યો એ માટે હું મારાં ભાગ્ય, અને સુરેશે વખતસર આપેલી સંગીન એ બંનેનો આભારી હતો.

“પાટિયાં ઉપર માળિયા જેવી મોટી જગા હતી ત્યાં અંધારું ખૂબ હતું. પરંતુ હાથ ફેરવતાં જગા વિશાળ લાગી. વળી યંત્ર સરખી ચીજો હાથ લાગી. હું બચ્યો એટલી વાત ચોક્કસ. નીચેનો યાંત્રિક માળ ઉપરના માળિયા સાથે દબાયો, પરંતુ હું તો માળિયા ઉપર ચઢી ગયો એટલે કચરાયો નહિ. મારા પગમાં જોર આવ્યું. ચારે પાસ હું ફરી વળ્યો. એક પહોળી ભૂંગળા જેવી જગા જોવામાં આવી. તેમાં નજર નાખતાં છેક નીચે પ્રકાશ જોવામાં આવ્યો. આ પ્રકાશ ઓછો વધતો થતો હોય એમ લાગ્યું. પચાસસાઠ ફૂટની ઊંડાઈ અને સાંકડું ભૂગળું એમાં આધાર વગર ઊતરવાનો મેં નિશ્ચય કર્યો. ગૂંગળાવતા ભૂંગળામાં પગ અને હાથ આછા આછા ટેકવી જીવનું જોખમ ખેડી હું લપસી પડ્યો.

“મારા પગ જમીનને અડક્યા. ઉપર અંધકાર. પગ મૂકી હું નીચે બેસી ગયો. એક બાજુએ કાચની નાની બારી હતી; એક બાજુએ અંધારામાં