પૃષ્ઠ:Bansari.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
જ્યોતીન્દ્રની નોંધ

આ રસતરસ્યાં બાળ
રસની રીત ન ભૂલશો;
પ્રભુએ બાંધી પાળ,
રસસાગરની પુણ્યથી.
ન્હાનાલાલ

"કર્મયોગીની સ્થિરતા ચળી. તેણે મને આ સ્થળે બિલકુલ ધારેલો જ નહોતો. તેણે એક ક્ષણમાં સ્થિરતા પાછી પ્રાપ્ત કરી અને મને પૂછ્યું :

'જ્યોતીન્દ્ર ! તું જીવતો છે ?’

'ભૂત પણ હોઉં.' મેં કહ્યું.

'તે સિવાય તું દેખાઈ શકે નહિ.’

'કર્મયોગી ! તમારી ધારણા કદી સફળ થવાની નથી. તમને ખબર તો ન હોય તો સમજી લો કે, હું જીવતો હોઈશ કે ભૂત હોઈશ તોપણ તમને મુશ્કેલી જ છે.'

‘તું શી રીતે બચી શક્યો ?’

‘હું સાચનો પક્ષ લઉં છું માટે.’

‘સત્ય અસત્યને હું ઓળખતો નથી. માનસિક બળની અમર્યાદ સત્તા પ્રાપ્ત કરવી એ સિવાય હું બીજું સત્ય જાણતો જ નથી. તું જો મારા માર્ગમાં હવે ઊભો રહીશ તો હું તને બાળી ભસ્મ કરીશ.’

“કર્મયોગીએ મારી સામે તાકીને જોયું. તેની આંખમાંથી અગ્નિ વરસતો લાગ્યો. એ ખરેખર જાણે પ્રજાળતો હોય એમ જ મને લાગણી થઈ. એક વખત મને ડર પણ લાગ્યો કે રખે ને હું ઊભો ને ઊભો પ્રજળી જાઉં? પણ મારાથી મારી આંખ પાછી ન ખસેડાઈ, ન હું પાછો ખસી શક્યો. કોઈ મહાબળવાન સત્ત્વ મારું સામર્થ્ય હરી લેતું હોય એમ મને અનુભવ થયો. હું પડી તો નહિ જાઉં, એવી ભીતિ લાગી. હું ખરેખર હાલી ગયો અને દાઝી ગયો. તેની આંખ મારા તરફથી ખસતી નહોતી. માનસિક બળ શારીરિક અસરો ઉપજાવે એ મને નવાઈ જેવું લાગ્યું. મેં આંખ ખસેડી