પૃષ્ઠ:Bansari.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જ્યોતીન્દ્રની નોંધ:૧૭૧
 

બની ગયો હતો ? મેં ઘરની બહાર નીકળવા બહુ જ ફાંફાં માયા, પરંતુ બહાર નીકળવું અશક્ય હતું. હું નિરાશ બની બેઠો. જે માણસ મારી સાથે રેલવેમાં આવ્યો હતો તે માણસ મારી પાસે આવ્યો અને મને આંખને ઇશારે માત્ર ઉપર જવા સૂચવવા લાગ્યો. મેં કહ્યું :

‘શા માટે ?’

‘હું કહું તેમ કરો.'

'તે પુરુષના મુખ ઉપર ભય અને આશા બંને જણાયાં. મારે હવે કશાથી ડરવાનું કારણ નહોતું. હું ઉપર ગયો. એક બારીમાં દૃષ્ટિ નાખી તો જોડેના એક ચોકમાં લગ્નક્રિયાની તૈયારીઓ ચાલતી જણાઈ. કુંજલતાનો મામો ત્યાં બેઠો હતો. કાંઈ નશો પાયો હોય એવી બેભાન સ્થિતિમાં બંસરીને ત્યાં બેસાડવામાં આવી, અને હું તરત સમજી ગયો. બંસરીનું લગ્ન અહીં કુંજલતાના મૂર્ખ મામા સાથે કરી નાખવામાં આવે છે એમ મને સ્પષ્ટ થયું. કર્મયોગી ચારે પાસ દૃષ્ટિ નાખતો એક ખૂણામાં ઊભો હતો. લગ્નથી ગ્રંથિત બનાવી એવાં યુગલોને પોતાની ઇચ્છા કે પાશવતાનાં સાધનો તરીકે તો આ કર્મયોગી નહિ વાપરતો હોય ? ગુરુ અને શિષ્ય શિષ્યાના સંબંધમાં પાશવતા ઊભરાતી અજાણી નથી.

“પરંતુ ના ના, કુંજલતાના મામાને દૂર કરી તેને સ્થાને કર્મયોગી બેસી ગયો. બંસરીને કાયમની પરતંત્રતામાં જકડવા કર્મયોગી તત્પર થયો હતો? કે બંસરીના આકર્ષણનો તે ભોગ બન્યો હતો ? એકાએક નીચે કૂદી પડી સમારંભમાં ભંગાણ પાડવા હું વિચાર કરતો હતો. એવામાં પેલા માણસે પાછળથી આવી મારા હાથમાં એક રિવોલ્વર મૂકી દીધી. શા માટે આ કર્મયોગીનો નોકર મને સહાય આપતો હતો. તે હું સમજી શક્યો નહિ. તેણે મને પૂછવાની પણ ના પાડી. મેં કહ્યું :

‘તું અને હું બંને મરી જઈશું ત્યારે ?’

'હરકત નહિ; આવી પરવશતા કરતાં એમાં શું ખોટું ? હું ત્રાસી ગયો છું.'

“એટલું કહી તે ચાલ્યો ગયો. લગ્નક્રિયા ચાલતી હતી. તેની વચમાં મેં બૂમ પાડી :

'બધું બંધ રાખો.'

‘સહુ કોઈ મારી તરફ જોવા લાગ્યાં. કર્મયોગી તત્કાળ મારી તરફ ફર્યો. તે હસ્યો :

‘પાંચ મિનિટ બાદ તું બંસરીને લઈ જજે, અને તારા મિત્રને