પૃષ્ઠ:Bansari.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦: બંસરી
 


‘ચાલ ચાલ હવે, બેવકૂફ ન બન !'

‘નહિ, હું તો ઘેર જઈશ.’

‘ઘેર કોણ તારી રાહ જોઈ બેઠું છે ?’ જ્યોતીન્દ્રે જણાવ્યું.

મને એની વાત ખરી લાગી. જો મને ગુનેગાર ગણવાનો જ હોય તો જ્યોતીન્દ્રને કબજે રહેવું કાંઈ ખોટું નહોતું. મેં પૂછ્યું :

‘આ બધા ક્યાં જશે ?'

'પોતપોતાને કામે.'

‘અને તું ?'

‘હું તારે કામે !'

‘જ્યોતીન્દ્ર ! મને એક સ્પષ્ટ વાત કહી દેવા દે. મને તારો ભરોંસો હવે પડતો નથી.’

‘ભરોસો ન જ રાખીશ. સાથે એક પિસ્તોલ રાખીને ફર. લે.' | એમ કહી તેણે મારા હાથમાં એક પિસ્તોલ તેના પહેરણના એક ખિસ્સામાંથી કાઢીને આપી. આવા સાદા પહેરણમાં તેણે પિસ્તોલ ક્યાં સંતાડી રાખી હશે તેની મને સમજ પડી નહિ.

'મારો ભરોંસો નહિ પડતો હોય તો હું તને થોડી વાર પછી એકલો મૂકીશ, ચાલ.' કહી તેણે મને આગલા ખંડમાં દોર્યો. કમિશનરે જ્યોતીન્દ્રને પૂછ્યું:

'સુરેન્દ્રને તમે સાથે જ રાખો છો ને ?'

‘અલબત્ત. હું આપને આવતી કાલે મળી જઈશ.’

એટલું જ્યોતીન્દ્રે કહ્યું અને અમે બંને જણ બહાર નીકળ્યા. મોટર તો જ હતી. તેમાં તેણે મને બેસાડ્યો. મેં કહ્યું :

'હવે ક્યાં ?'

‘મોટરને પૂછ.’ અને મોટર આગળ ચાલી.