પૃષ્ઠ:Bansari.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
પહેલી રાત

આ રાત પહેલી વરલની
માશુકના ઈન્કારની.
કલાપી

આ અમારી જ કથની હતી; અમે ન છૂટકે એમાં પાત્રો બન્યાં હતાં; છતાં તેના વાચનથી જાણે કોઈ ભયાનક સ્વપ્ન અમે જોતાં હોઈએ એવો ભય લાગ્યો. મારું હૃદય વેગથી ધડકતું હતું. બંસરી તો ક્યારની વ્રજમંગળાનો હાથ મજબૂત પકડીને બેઠી હતી. હું નોંધ વાંચી રહ્યો એટલે તેણે પોતાની આંખ ઉપર હાથ મૂકી દીધો. વ્રજમંગળાએ તેને ઝાલી રાખી ન હોત તો તે કદાચ મૂર્છાવશ પણ થઈ જાત.

જ્યોતીન્દ્ર અત્યાર સુધી ખુરશી ઉપર બેસી રહ્યો હતો. તે ઊઠીને અમારી પાસે આવ્યો. તેણે કહ્યું :

‘બંસરીબહેન ! પ્રત્યક્ષ અનુભવ કરતાં અનુભવનું વાચન વધારે ભયાનક લાગે છે, ખરું ?'

જ્યોતીન્દ્રનો અવાજ સાંભળી બહુ નિર્ભયતાં અનુભવવા લાગ્યાં. હું પણ Critical- વિવેચક દૃષ્ટિવાળો બન્યો. મેં પૂછ્યું :

‘જ્યોતીન્દ્ર ! આ નોંધ પૂરતી નથી.’

'મારે માટે બસ છે.’

'પણ મને હજી ઘણી બાબતો સમજાતી નથી.'

'દાખલા તરીકે ?’ કર્મયોગી કોણ ? શા માટે એણે બંસરી પ્રત્યે આવું વર્તન રાખ્યું ? કુંજલતા અને સુધાકર એમાં કેવી રીતે દાખલ થયાં ? એ કશું મને સમજાતું નથી.

'એ સમજવાની તારે શી જરૂર છે ?’

'એ વગર મને ચેન પડશે નહિ.’

'કર્મયોગી કોણ તે મેં અત્યારે જ ચોક્કસ કર્યું. તું નોંધ વાંચતો હતો. ત્યારે. કુંજલતા એ કરુણરસમાં પર્યવસાન પામતા પ્રેમનું પ્રતિબિંબ છે.