પૃષ્ઠ:Bansari.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પહેલી રાત : ૧૭૫
 

બંસરીબહેન સાથે લગ્ન કરવાની તે ના પાડી એમાં કુંજલતાએ પોતાના ગુપ્ત રાખેલા પ્રેમને સફળ કરવાની તક જોઈ. જીવન આપણે ધારીએ એ કરતાં વધારે વિચિત્ર અને ગહન છે.'

‘એટલે ?' મને વારંવાર આવો સંશય ઉત્પન્ન થયો હતો. તેનું જ્યોતીન્દ્ર સમર્થન કરતો લાગ્યો.

‘એટલે એમ કે બંસરીબહેનનું લગ્ન તારી સાથે ન થાય તો કુંજલતા તારા સરખા બબૂચકને પરણી શકે એટલું સમજતો નથી ?’

‘બિચારી !' બંસરીના મુખમાંથી ઉદ્ગાર નીકળ્યો.

‘એ વસ્તુસ્થિતિ ઉત્પન્ન કરવાની શક્તિ એણે કર્મયોગીમાં નિહાળી, અને એ કર્મયોગીને વશ થઈ. બંસરીબહેનને પણ તેણે એ જ લાલચે એમાં ભેળવ્યાં પરંતુ પરિણામ જોતાં તે ગભરાઈ ઊઠી અને તારો બચાવ કરવા લાગી.

‘કુંજલતા એવી ખરાબ ન હોય !’ બંસરીએ કહ્યું.

‘હું ક્યાં કહું છું કે એ ખરાબ છે? અને તમે વધારે દયા ખાશો તો હજી પણ એ સુરેશને પરણી તમારી જોડે રહેશે.' જ્યોતીન્દ્રે હસતાં હસતાં કહ્યું.

‘હાસ્તો ! હવે એમ સ્ત્રીઓ સોંઘી નથી પડી. આ તો વીસમી સદી છે. બે સ્ત્રીઓ પરણવી હવે તો ભારે પડશે !’ વ્રજમંગળાએ મશ્કરીનો જવાબ વાળ્યો.

‘તો તો હું કબૂલ કરું છું. એક સ્ત્રી જ પરણવી ભારે પડે છે તો બેની તો વાત જ શી ? સુરેશ ! સ્ત્રીઓ કેવી અદેખી હોય છે ?’ જ્યોતીન્દ્ર બોલ્યો.

‘હા, પણ સુધાકરે શા માટે મને તે રાતે પેલા હવડ બંગલામાં મોકલ્યો ?’

'તે તારો દુશ્મન હજી મટ્યો નથી એ માટે.'

'પણ એનો કર્મયોગી સાથે શો સંબંધ ?’

‘એ મને હમણાં જ સમજાયું. તારો અને સુધાકરનો એક વૈજ્ઞાનિક મિત્ર હતો. નહિ ?’

‘એ જ કર્મયોગી ?' મને કર્મયોગીના મુખમાં ક્વચિત્ ઓળખીતી દેખાતી રેષાઓ યાદ આવતાં હું બૂમ પાડી ઊઠ્યો.

‘હા, ભૌતિકવિજ્ઞાનથી આગળ વધી એ માનસિકવિજ્ઞાનમાં ઊતર્યો. વિજયની આકાંક્ષા બ્રાહ્મણને પણ બ્રહ્મરાક્ષસ બનાવે છે.'

'હવે એની વાત જ ન કરશો. મારી બીક હજી મટતી નથી.' બંસરી બોલી ઊઠી.