પૃષ્ઠ:Bansari.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪: બંસરી
 


‘એ તો જેને તેને ઈશ્વર જવાબ આપી રહેશે. આપણે શું ?' તેમનાં પત્નીએ આટલું કહી મારી સામે જોયું. જાણે મારા પાપકર્મનો ઈશ્વરે મને જ જવાબ આપવાનો ન હોય !

વધારે વાતચીતનો અવકાશ મને લાગ્યો નહિ. જ્યોતીન્દ્રે તોય પૂછ્યું:

‘પણ આ બન્યું શી રીતે ?'

‘કેટલાં માણસોને હું આ હકીકત જણાવું ? મને તે દુઃખી ગણી બાજુએ રાખવો જોઈએ, કે દરેક જણે પૂછી પૂછી મને હેરાન કરવો જોઈએ ?’

‘અમારી આપને હેરાન કરવાની જરા પણ ઈચ્છા નથી. અમે તો દિલગીરી દર્શાવવા આવ્યા હતા.’ જ્યોતીન્દ્રે જણાવ્યું.

‘એ તો તમે દર્શાવી. બીજું કાંઈ ?'

'ના,જી.'

‘અને બીજી વધારે વિગત મેળવવી હોય તો પોલીસને બધી લખાવી છે; વર્તમાનપત્રોમાં પણ આવશે.'

આવું કઠોરપણું દર્શાવનારની પાસે વધારે બેસાય એમ નહોતું. અમે ઊઠ્યા અને નમસ્કાર કરી પાછા વળ્યા.

‘જોજો, બારણું ધીમેથી બંધ કરજો. હોં !' તેમણે સૂચના કરી.

બહાર એક બાજુએ કુંજલતા રડતી ઊભી હતી. એકબે સ્ત્રીનોકરો અને ચારેક પુરુષો તેની આજુબાજુએ સહજ દૂર ઊભાં રહ્યાં હતાં. સ્મશાનની ગમગીની દરેકના મુખ ઉપર છવાઈ રહી હતી. એક સ્ત્રીએ કુંજલતાનું ધ્યાન અમારા તરફ ખેંચ્યું. તે મને ઓળખતી હતી. બંસરીની નાની બહેન તરીકે એ ઊછરી હતી; અને બંને સાથે રહેતાં હોવાથી બંસરીનો મારા તરફનો પક્ષપાત તેના ધ્યાન બહાર રહ્યો હોય જ નહિ. તે આંખો લોહતી લોહતી અમારી પાસે આવી. નોકરચાકર તો મારું નામ સાંભળતાં જ એક ખૂની પ્રાણીને નિહાળતાં હોય તેમ તાકીને જોઈ રહેતા, પરંતુ કુંજલતાના મુખ ઉપર એવો ભાવ મેં જોયો નહિ.

‘સુરેશભાઈ ! છેવટે આપણે બધાંએ બંસરીને ખોઈ !’ કઠણ હૃદય કરી આટલા શબ્દો બોલતાં કુંજલતાની આંખો આંસુથી ઊભરાઈ ગઈ અને તેના મુખમાંથી બીજા શબ્દો નીકળી શક્યા નહિ. હું શો જવાબ આપું ? હું કોનું સાંત્વન કરું ? મારું હૃદય ચિતાના અગ્નિ ઉપર તરફડતું હતું; મારું રુદન અદૃશ્ય થઈ ગયું હતું; અને મારા ઉપર શકની નજર હતી. એ જાણતાં તો હૃદય જડ પથ્થર જેવું શૂન્ય બની ગયું હતું.