પૃષ્ઠ:Bansari.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮: બંસરી
 

સાથે હાથ મેળવ્યો. તેમાંના એક જણે પૂછ્યું :

‘તમે અહીં જ આવવા નીકળ્યા હતા કે શું ?’

‘હા.. પણ હું સહેલે રસ્તે આવ્યો, અને તમારે તો માણસો ભેગાં કરવાનાં હતાં.' જ્યોતિન્દ્રે કહ્યું.

‘હવે સ્થળનો પંચક્યાસ કરવાનો છે. મેજિસ્ટ્રેટ અને પંચો પાછળ આવે છે.’ બીજા અમલદારે કહ્યું.

‘મારે પણ સ્થળ જોવું છે. જ્યોતીન્દ્રે કહ્યું. એટલામાં યુરોપિયન પોશાક પહેરેલા એક હિંદુ મેજિસ્ટ્રેટ તથા ગૃહસ્થ સરખા દેખાતા ચાર માણસો આવ્યા. જે ખંડમાં ખૂન થયું હતું તે ખંડમાં બધા ગયા. ઓરડો બંધ હતો, અને બે પોલીસના માણસો ત્યાં પહેરો ભરતા હતા. મુકુંદપ્રસાદ પણ તે સ્થળે આવ્યા; પરંતુ તેમના મુખ ઉપર આખી દુનિયા માટેનો કંટાળો તરી આવતો હતો. આટલાં બધાં માણસો ભેગાં થયાં હતાં, પરંતુ ખંડ ઉઘાડવાનો મેજિસ્ટ્રેટે હુકમ કર્યો એટલે એકદમ વાતાવરણ શાંત બની ગયું. કોઈ ભારે ગમખ્યાર બનાવ જોવાને હૃદય તૈયાર થતું હોય એમ સઘળાનાં મુખ તંગ બની ગયાં.

ઓરડો ઊઘડ્યો. બારણાં ઉઘાડતાં મૃતદેહને ઓછામાં ઓછી અશાંતિ થાય એવો પ્રયત્ન પોલીસે કર્યો, તોપણ મુકુંદપ્રસાદે મુખ બગાડી દાંત કચડ્યા, અને જરા સરખા અવાજ માટે પણ નાપસંદગી બતાવી.

'આ સ્થળમાં કાંઈ ફેરફાર થયો છે ?’ મેજિસ્ટ્રેટે પૂછ્યું.

‘ના, રે ના. મુકુંદપ્રસાદે જણાવ્યું. ‘અમે કોઈ અંદર આવ્યા જ નથી.’

‘એ બહુ નવાઈ જેવું ! બૂમ પડ્યા પછી તમે કશી તપાસ પણ ન કરી?'

‘એમ નહિ. તમે જરા સમજો. બંસરીની બૂમ સાંભળી કુંજલતા બહાર આવી. તેણે શંકરને અહીં ઊભેલો જોયો. એણે પૂછ્યું : 'અલ્યા શંકર! શું થયું ?' 'મને ખબર નથી. અંદર જતાં બીક લાગે છે; પણ મેં સુરેશભાઈને જતા જોયા.' આમ શંકરે કહ્યું. પછી કુંજલતાએ દીવો ધર્યો અને શંકરને અંદર જોવા માટે કહ્યું. શંકરે અને કુંજલતાએ ગભરાતાં ગભરાતાં અંદર જોયું. ઓરડામાં કોઈ હતું નહિ, પણ એક મોટી કટાર પડેલી દેખાઈ અને જાજમ ઉપર લોહીના ડાઘા દેખાયા, એટલે એ બંને જણે અમને જગાડ્યાં. અમે પણ આવીને બારણાં આગળ ઊભાં રહીને અંદર જોયું અને પાછા વળી પોલીસને ટેલિફોનથી બધી ખબર આપી. તત્કાળ પોલીસના બે માણસોએ આવી આ ઓરડાનું બારણું બંધ કરી પહેરો શરૂ કર્યો. તે હજી એમનો એમ છે.' મુકુંદપ્રસાદે હકીકત કહી.