પૃષ્ઠ:Bansari.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખૂનીની કબૂલાત: ૧૯
 


પોલીસ અમલદારો, મેજિસ્ટ્રેટ, મુકુંદપ્રસાદ તથા જ્યોતીન્દ્ર અને પંચના ગૃહસ્થો ઓરડાની અંદર ગયા. મોટો ઓરડો પુસ્તકો તથા ફર્નિચરથી ભરેલો હતો. કાચનો દીવો ફૂટી ગયેલો. તેના કટકા વેરણછેરણ ચારે પાસ પડ્યા હતા. એક લોહીથી ખરડાયેલી છરી પડેલી હતી. જાજમો ઉપર પુષ્કળ લોહી રેડાયેલું દેખાયું એટલું જ નહિ, પણ લોહીના છાંટા આસપાસ ઊડેલા જણાયા. તે ઓરડાની બીજી બારી સુધી પડેલા હતા. બારી ઉઘાડી હતી; બારીના કઠેરાનો એક લાકડાનો સળિયો ભાંગી ગયેલો હતો. નીચે પથ્થરનો ચોક અને તેની આગળ બગીચો આવેલો હતો. સ્થળનું તેમ જ સ્થળમાં પડેલી વસ્તુઓનું વર્ણન પંચોએ યથાસ્થિત લખાવ્યું. બારી આગળ જાજમ ખસી ગઈ હોય અને ત્યાં કાંઈ ઝપાઝપી થઈ હોય એવો પણ દેખાવ હોવાનો પંચોને ભાસ થયો. નજીકમાં એક હાથરૂમાલ લોહીના ડાઘાવાળો અને કાગળના ટુકડા પડ્યા હતા. પંચો એ કાગળના અક્ષરો ઓળખતા ન હતા. એવું એમણે લખાવ્યું.

તે જ વખતે જ્યોતીન્દ્રે કહ્યું :

‘એ કાગળ, એના અક્ષરો અને પેલો રૂમાલ સુરેશનાં જ છે.’

જ્યોતીન્દ્રે કાંઈ તે બધું હાથમાં લઈ જોયું ન હતું; દૂરથી જ સૂચવ્યું. તથાપિ મેજિસ્ટ્રેટે પૂછ્યું :

‘શા ઉપરથી કહો છો ?’

‘હું ખરું કહું છું. કુંજલતાએ બંસરીની ચીસનો છેલ્લો શબ્દ “સુરેશ” એવો સાંભળ્યો, શંકરે સુરેશને જતાં જોયો. એટલે મારી ખાતરી છે કે આ રૂમાલ અને કાગળ પણ તેના જ હોવા જોઈએ. એ અહીં હાજર છે એટલે પંચો રૂબરૂ તેની ખાતરી કરાવી લઈએ.’ જ્યોતીન્દ્રે કહ્યું.

મારો મિત્ર મારો જ દુશ્મન છે એવી હવે મને સંપૂર્ણ ખાતરી થઈ. મને તેના વર્તન વિષે માત્ર શક હતો તે હવે પૂરી રીતે ખરો પડ્યો. હવે બીજો શો પુરાવો બાકી હતો ? પંચોએ અને મેજિસ્ટ્રેટે મને રૂમાલ તથા કાગળ બંને બતાવ્યા. એ બંને મારા જ હતા એમ કહ્યા વગર ચાલે એમ હતું જ નહિ. છરી મારી નહોતી એમ મેં કહ્યું તે પંચોએ લખ્યું, પરંતુ તે મારી નહિ હોય એમ માનવા કોઈ તત્પર થયું નહિ. કાગળના ટુકડા ગોઠવતાં તે પૂરો વંચાય એવો રહ્યો નહોતો. કોઈ અસંબદ્ધ શબ્દરચના તેમાંથી નીકળી આવી, પરંતુ તેમાં નીચેના શબ્દો ઉપર સહુનું ધ્યાન ખેંચાયું.

‘કફન વીણ લાશ...જલ્લાદની તલવાર...ખૂની...હાથ...ખતમ થઈ જા ખંજર...'