પૃષ્ઠ:Bansari.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦: બંસરી
 

આ બધી ડાકુ કે બહારવટિયાની શબ્દાવલિમાં કલાપીની એક કવિતા છુપાઈ રહેલી છે એમ હું આ ક્ષણે કહેવા જાઉં તો કોણ માને ?

અધૂરામાં પૂરું એક દોરડું તથા નિસરણી પણ ચોકમાં પડ્યાં હતાં. તેનો પણ પંચક્યાસમાં ઉલ્લેખ થયો. મેજિસ્ટ્રેટે પંચોથી વધારે ખાતરી કરાવી લઈ પંચક્યાસમાં ઉમેરાવ્યું કે દોરડા તથા નિસરણીની મદદ વડે આ ખંડમાંથી ચોકમાં સરળતાથી ઊતરી શકાય એમ હતું. એટલું જ નહિ, પરંતુ કોઈ હલકો ભાર લઈ ઊતરવું હોય તો તે મુશ્કેલ નહોતું. બંસરી ઘણી નાજુક હલકી હતી; તેને જોતાં મને પારિજાતક કે જાઈજૂઈનાં ફૂલ યાદ આવતાં. યુવતીને લઈને કોઈ મજબૂત માણસ ઊતરી શકે કે નહિ, એમ પૂછતાં પંચોએ મારા શરીર તરફ દૃષ્ટિ કરી ચોખ્ખી હા પાડી.

હવે મારે માટે શું બાકી હતું ? પુરાવાની સઘળી સંકલના મને જ ગુનેગાર ઠરાવ્યે જતી હતી.

પંચક્યાસ પૂરો થયો એટલે પોલીસે પુરાવામાં જરૂરની થઈ પડે એ ચીજો પોતાને હસ્તક લઈ લીધી. સહુએ જવા માંડ્યું. ઘરમાં રુદન શરૂ થઈ ગયું. જ્યોતીન્દ્રે બેમાંથી એક પોલીસ અમલદારને કહ્યું :

‘હિંમતસિંહ ! સાંજે જરા મળજો ને !’

'હા,જી.'

‘સાથે કંચનલાલને પણ લાવજો.'

‘ઠીક.'

કહી પોલીસના માણસો ચાલ્યા ગયા. હિંમતસિંહ તથા કંચનલાલ બંને બાહોશ પોલીસ અમલદાર તરીકે ગણાતા હતા અને તેમની કુનેહને લીધે તેમને પોલીસખાતામાં ભારે પગારના જવાબદારીવાળા હોદ્દા ઉપર નીમ્યા હતા. હું નસીબને આધીન થતો ચાલ્યો. મનમાં બળ રહ્યું નહોતું; વિચાર પણ બળહીન થતા ચાલ્યા. જ્યોતીન્દ્રને માટે મારો તિરસ્કાર વધ્યો જતો હતો. પરંતુ તેની સાથે રહેવાથી હું પોલીસનો બંદીવાન થતો અટક્યો હતો. એટલો મને ખ્યાલ હતો. જ્યોતીન્દ્ર અને હું નીચે મોટરમાં બેઠા. પરંતુ મોટર ત્યાં આગળથી ચાલતી નહોતી. શૉફર બહુ પ્રયત્ન કરતો તથાપિ ઘરઘરઘર અવાજ કરી એક હાથ આગળ કે પાછળ જઈ મોટર બંધ પડી જતી. આજુબાજુએ થોડા લોકોનું ટોળું હતું તે ઓછું થયું નહિ. ચાર માણસો જાય અને ચાર માણસો આવે, મને બહુ કંટાળો આવ્યો. પગે ચાલીને જવાની ઇચ્છા મેં દર્શાવી. પરંતુ જ્યોતીન્દ્ર ત્યાંથી ખસ્યો નહિ. મોટર ન ચાલવાથી સામાન્ય રીતે કંટાળો આવવો જોઈએ તે પણ તેને આવતો લાગ્યો