પૃષ્ઠ:Bansari.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું ઘર

નથી આ શોભિતા આરા
પુષ્પશય્યા ધરાવતા
નથી આ નિર્મળાં નીર
સખી હૈયે ધરાવતાં.
ન્હાનાલાલ

બંસરીનું ખૂન મેં કર્યું છે એવું મે કહ્યું એટલે જ્યોતીન્દ્ર હસ્યો. તેણે કહ્યું :

‘બસ, એટલું જ તારે કહેવાનું બાકી હતું. મેજિસ્ટ્રેટ આગળ જઈને કબૂલાત આપી આવજે.'

'પણ પછી મારું શું થશે તેની ખબર છે ?' મેં ચિડાઈને પૂછ્યું.

'તને ફાંસીની સજા મળશે ! આપણો બુદ્ધિહીન કાયદો જંગલી જાતો જેટલો જ સુધરેલો છે, તે જીવને સાટે જીવ માગે છે.'

'તને પોલીસ કંઈ પગાર આપે છે ?'

'ના.'

‘ત્યારે તું આ બધામાં કેમ પડ્યો છે ? તારા મિત્રનો જાન લેવાને જ ને?'

'તું નથી જાણતો કે મને ગુનાઓની શોધખોળનો શોખ છે ? બસ, મને આ કામમાં મજા પડી એટલે હું રોકાયો.'

‘મૈત્રી તો તેં સારી સાચવી. સહાય કરવાને બદલે તું મને જ હોમે છે. તું આવો મિત્રદ્રોહી હોઈશ એ મેં જાણેલું જ નહિ.’

‘જો ભાઈ ! બધા ગુનેગારો મારા મિત્ર છે. દરેક ગુનેગારને ગુનો કરવા માટે સબળ કારણ હોય છે, એટલે કોઈને પણ સજા થાય એથી હું તદ્દન વિરુદ્ધ છું. ગુનેગાર કાં તો માબાપનો અનિષ્ટ વારસો મેળવે છે, કાં તો ગુનાના સંજોગોમાં ઊછરે છે, અગર એવી સ્થિતિમાં મુકાય છે, કે તેને ગુનો કર્યા વગર ચાલતું જ નથી. એટલે એકેય વખતે ગુનેગાર પોતાના ગુના માટે જવાબદાર ગણી શકાય નહિ. પરંતુ આપણો જડ કાયદો અને