પૃષ્ઠ:Bansari.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬: બંસરી
 

માનવજાતને ભૂલ કરતી જોઈ જેમ કોઈ સર્વજ્ઞ દેવ હસે તેમ હસીને ગંગારામ બોલ્યા :

‘ભાઈ ! દુનિયામાં બધા વગર ચાલે પણ ખાધા વગર ચાલે જ નહિ ! ખોરાકની રુચિ રહે ત્યાં સુધી જીવ ટકે જો એ રુચિ ઘટી તો આવરદા ઘટવા માંડી સમજો.'

ગંગારામની આ ખોરાકમીમાંસા સાંભળવાની મારામાં ધીરજ નહોતી. મેં કહ્યું :

'બહુ થયું હવે, ગંગારામ ! જા મને એકલો પડી રહેવા દે. મને ભૂખ લાગશે એટલે તને બોલાવીશ.’

'પણ ભાઈ...’ ગંભીરતાથી વ્યાખ્યાન શરૂ રાખતાં ગંગારામ બોલ્યો.

‘પણ ને બણ કશું નહિ, હમણાં જા અહીંથી !’ મેં તેને તુચ્છકારથી કહ્યું. લાંબા સમયથી રહેતા નોકરો - અને ખાસ કરી વધતી જતી ઉમરવાળા નોકરો બહુ ઝડપથી આપણું મુરબ્બીપણું ધારણ કરી લે છે; અને તે આપણને ગમે કે ન ગમે, તેની સામે આપણે વાંધો લઈએ કે ન લઈએ, તોપણ પોતાના મુરબ્બીપણાના હક્ક ભોગવ્યે જ જાય છે. જૂના નોકરોને અને ઊછરતાં છોકરાંને ભાગ્યે જ બને છે.

'જુઓ માણસજાત છે એટલે દુઃખ તો થાય. હું તો આપના લગ્ન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો. પણ ભાવિ આગળ આપણું શું ચાલે ? આ મારે બૈરાં ગયાં તે દુઃખ નહિ થયું હોય ? પણ કરવું શું ? એમની પાછળ કંઈ મરી જવાય ? જીવને ક્લેશ થાય, જનાર માણસ સાંભરે, પણ જરા ધીરજ રાખી તો આ ત્રીજી વાર પણ ઠેકાણું પડ્યું. એટલે આમ હારી જવાથી કાંઈ વળે નહિ. તમે તો હજી બાળક છો.’ ગંગારામે મને જીવનનું રહસ્ય સમજાવ્યું.

ગંગારામને હસી કાઢવાનો મારો ઈરાદો નથી. એની ફિલસૂફીમાં શું ખોટું હતું ? માનવીનું સામાન્ય જીવન શું એ ક્રમથી ગોઠવાતું નથી ? ગંગારામ કરતાં વધારે સંસ્કારી માનવો પણ જીવનને બીજી કઈ નીતિ ઉપર ઘડે છે ? છતાં મને જરા હસવું આવ્યું. મને ગંગારામ સાથે વાત કરવાની ઇચ્છા થઈ આવી. હું એકલો પડતો ત્યારે ઘણી વખત ગંગારામની વાતો સાંભળતો. કેટકેટલા મોટા માણસોને ત્યાં તેણે નોકરી કરી હતી. કેટકેટલી ‘બા’ઓને એણે પોતાની કળા વડે ખુશ કરી નાખી હતી. રસોઈસંબંધી ઝીણામાં ઝીણા કોયડા ઉકેલવામાં તેને કેવી બુદ્ધિ અને યુક્તિ વાપરવી પડી હતી; કેટલા સર્ટિફિકેટ તેણે મેળવ્યાં હતાં, અને હજી પણ કૃષ્ણ વગર જેમ