પૃષ્ઠ:Bansari.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું ઘર : ૨૭
 

ગોપકુટુંબો તલસતાં હતાં તેમ રસોઇયા ગંગારામ વગર કેટલાં કુટુંબો ઝૂરી મરે છે, તે સંબંધે ઘણી માહિતી ગંગારામ મને આપતો. જ્યોતીન્દ્રથી છૂટો પડ્યો ત્યારે મારા હૃદયમાં અસહ્ય વેદના થતી; આ ગંગારામની વાતે મારા હૃદયને ક્ષણભર હલકું કર્યું. મેં પૂછ્યું :

‘અલ્યા. ગંગારામ ! તું ત્રણ વાર પરણ્યો એ તો જાણે ઠીક; પણ પચાસ વર્ષે તું શી રીતે પરણી શક્યો ?’

‘કેમ ? એમાં શું ?' પચાસ વર્ષે શા માટે ન પરણી શકાય, તે ગંગારામની સમજમાં આવ્યું નહિ.

'પચાસ વર્ષ એ કાંઈ નાની ઉમર કહેવાય ?' મેં પૂછ્યું.

‘કેમ નહિ ! માંહ્યમાંહ્યથી લોકો સાઠ સાઠ અને સિત્તેર સિત્તેર વર્ષે પણ પરણે છે. આ લ્યો ! તમારા સુધારાવાળા કહેશે કે નાની ઉંમરે ન પરણશો અને મોટી ઉંમરે ના પરણશો. ત્યારે પરણવું ક્યારે ?’ ગંગારામને પચાસ વર્ષની ઉંમર મોટી કહેવાથી ખોટું લાગ્યું જણાયું. પચાસ વર્ષના થયા સિવાય એ અપમાનનું રહસ્ય સમજી શકાય એમ નથી.

મેં કહ્યું : ‘એ તારો પ્રશ્ન ભારે છે. પરણવું ક્યારે ? પ્રશ્નનો છેલ્લો જવાબ હજી મળ્યો નથી. મને ગૂંચવણ એટલી જ થાય છે કે તારી વહુ જેવી નાની ઉમરની પત્ની તને કેમ કરી મળી શકે.'

'ના ના ભાઈ ! એમાં જરાકે ગૂંચવણ જેવું નથી. મારી બ્રાહ્મણની ઊંચી જાત, તેમાંયે અમે કુળવાન, એટલે કન્યાનો તોટો નહિ. અને વળી બૈરાં વગરની એકલી દુ:ખી જાત જોઈને દયાયે આવે ને ?’ ગંગારામે કારણ જણાવ્યું.

લગ્નને માટે ઘણાં ઘણાં કારણો હોઈ શકે છે. જરૂરિયાત, જુલમ, પૈસો : એ બધાં કારણો માની પણ શકાય. તથાપિ દયાને ખાતર લગ્ન થઈ શકે એ મારા માનવામાં કદી આવ્યું નહોતું !

‘ત્યારે હવે જમવાનું તૈયાર કરું ?’ ગંગારામે પૂછ્યું.

'હા ભાઈ, હા ! જા, માથું ન ફોડ.' મેં કહ્યું.

'આપ ગયા તે વખતે ચંદ્રકાન્ત આપને મળવા આવ્યા હતા.’ જતાં જતાં ગંગારામે કહ્યું.

'અને કહ્યું કે બપોરે આવીને તમને બોલાવી જશે.’

'ઠીક.'