પૃષ્ઠ:Bansari.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો વ્યાપાર

આવરો ને ખાતાવહીમાં લક્ષ્મીવરનું નામ,
ચિઠ્ઠીમાં ચતુર્ભુજ લખિયા, નરસૈયાનું કામ રે;
સન્તો રે અમે વહેવારીઆ શ્રી રામનામના.

સિરનામા ઉપર મારું નામ લખેલું હતું. મારા જૂના દુશ્મન સુધાકરના અક્ષરો મેં ઓળખ્યા. એને જ લીધે હું ભારે નુકસાનમાં ઊતર્યો હતો, એને જ લીધે મારો વ્યાપાર પડી ભાંગ્યો હતો. એ મારો ભાગીદાર હતો. ભણતર છોડ્યા પછી જર્મન યુદ્ધને અંગે વ્યાપારની જે આબાદી થઈ હતી. તેનો અમે પૂરો લાભ લીધો હતો. જુદી જુદી કંપની, જુદા જુદા વ્યાપારો અને અનેકવિધ યોજનાઓનો તે યુગ હતો. એલ. એલ. બી. ક્લાસમાં અમે બંને સાથે જ ભણતા, અને એક પાડોશીએ શેરના કામમાં થોડો નફો અપાવ્યો ત્યારથી વ્યાપારની લતમાં પડ્યા હતા. અમે બંને પાસ થયા, પરંતુ વકીલાતના ધંધામાં પડવાની અમને જરા પણ ઇચ્છા થઈ નહિ. વ્યાપારનાં સુવર્ણમય સ્વપ્નો અમે રચતા હતા. એક દિવસ વિજ્ઞાન શીખેલો મિત્ર એક પથ્થર લઇ અમારી પાસે આવ્યો. તેણે કહ્યું :

‘વ્યાપાર વ્યાપાર શું કરો છો ? આ પથ્થરમાં કેટલા પૈસા છે તે જાણો છો ?'

'પૈસા રાખવાને પાકીટ પણ નહિ મળ્યું તે પથ્થરમાં પૈસા રાખવા માંડ્યા ?' મેં પૂછ્યું.

‘એમ હસી કાઢે કાંઈ વળે નહિ. આ પથ્થરમાં પચાસ ટકા લોખંડનો અંશ છે. મેં મારી જાતે પૃથ્થક્કરણ કર્યું છે. લોખંડનું કારખાનું કાઢો તો હું તમને સ્થળ બતાવું.’

વૈજ્ઞાનિક મિત્રની વાત સાંભળી અમને પણ વ્યાપારનો એક માર્ગ જડ્યો. ટાટાની સાથે હરીફાઈ કરવાનાં સ્વપ્ન અમે રચ્યાં અને જર્મનીના ક્રપના કારખાના સરખું કારખાનું સ્થાપવાના મનોરથો અમે સેવ્યા, શરૂઆતનો ખર્ચ ઉપાડનાર એક અભણ ધનાઢ્ય તરત હાથ લાગી ગયો, સારાં સારાં પ્રોસ્પેક્ટસ કાઢ્યાં, પેપરોમાં જાહેરાત આપી, ગમે તે કંપનીના શેર લેવાની જે મિત્રો અને ઓળખીતાઓને અધીરાઈ થઈ ગઈ હતી તેમના