પૃષ્ઠ:Bansari.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦: બંસરી
 

ઉપર મહેરબાની કરી શેર ભરાવ્યા, કંપની નોંધાવી અને મેનેજિંગ ડાયરેક્ટર્સ તરીકે મેં અને સુધાકરે અમારો નફો નક્કી કરી લીધો. વૈજ્ઞાનિક મિત્રને નિષ્ણાત - expert તરીકે ભારે પગાર આપી રોક્યો, ફર્સ્ટ ક્લાસ રીઝર્વ કરાવી તેમાં મુસાફરીઓ શરૂ કરી; અને અનેક ધનવાનોના સંસર્ગમાં જોતજોતામાં અમે આવી ગયા. અમારી કિંમત ઘણી વધી ગઈ.

આટલું થતાં સુધી તો લોખંડથી ભરેલા પથ્થરો ક્યાં હતા તે સ્થળ અમે જોયું ન હતું. સુધાકર અને મારો વૈજ્ઞાનિક મિત્ર એ સ્થળ જોઈ આવ્યા. ગુજરાતના પૂર્વ ભાગમાં આવેલાં ડુંગરાળ પ્રદેશમાંની એક ટેકરી લોખંડનો અખૂટ જથ્થો ભરી રાખી બેઠી હતી; તેમાંથી પથ્થરો કાઢવાનો ઇજારો ત્યાંના એક દેશી રાજ્ય પાસેથી લીધો. દેશી રાજ્યના અફીણી રાજા અને લુચ્ચા કારભારીને ભારે લાલચો આપી ત્યાં મફત સ્થળો મેળવ્યાં, અને એક પ્રયોગશાળા સ્થાપવાનું નક્કી કર્યું.

એક ધંધામાંથી બીજો, બીજામાંથી ત્રીજો, એમ પૈસા મળતાં અનેક ધંધાઓ સાથે સાથે ચાલ્યા. પૈસાની રેલમછેલ થઈ. અમે અમારી અંગત મિલકત પણ તેમાંથી કરી લેવાની સગવડ સારી રીતે સાચવી. બીજા લોભી ધનવાનો અંદર પડ્યા; તેમને માથે પેલી પથ્થરની ટેકરી અને તેમાંનું ગુપ્ત લોખંડ મારી, નફો બારોબાર લઈ અમે છૂટા થઈ ગયા.

અત્યાર સુધી અમારા કાર્યમાં અપ્રામાણિકપણું નહોતું. વ્યાપારના વંટોળિયાને અમે આધીન થયા હતા. પરંતુ અમે અમારી કલ્પનાઓ અને યોજનાઓને સાચી જ માનતા. એક દિવસ સુધાકરે આવી મને એક યોજના બતાવી. આવી યોજનાઓની નિત્ય ચર્ચા ચાલતી. મને આ વખતે સુધાકરની દાનત લોકોને છેતરવાની લાગી. મેં કહ્યું :

'આવી ખુલ્લી છેતરપિંડીમાં હું ન પડું.'

‘છેતરપિંડી ખુલ્લી નથી. આપણે છૂટા થઈ જઈશું ત્યાં સુધી કોઈને કશી ખબર પડવાની નથી.' સુધાકરે કહ્યું.

‘ના ના; એ તો મારાથી ન બને.'

‘ત્યારે પેલા લોખંડના ધંધામાં તમે શું કર્યું હતું ? કયો પથરો અને કયું લોખંડ એની કશી ખબર પડી ? એ કંપનીનું શું થયું તે જાણો છે ને ?’

‘એ તો વ્યવસ્થાપકોની ખામી. આપણે શું કરીએ ?’

‘મારા મનમાં કે તારામાં જરા પણ અક્કલ તો હશે જ. અત્યારે જ મારી ખાતરી થઈ કે તે તારામાં નથી. એ તો આખી યોજના જ તૂત હતી. પથ્થરમાં તે લોખંડ આટલું બધું નીકળે ?’ સુધાકરે કહ્યું.