પૃષ્ઠ:Bansari.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો વ્યાપાર: ૩૧
 


‘કેમ, આપણો સાયન્ટીસ્ટ તો કહેતો હતો.'

‘એ સાયન્ટીસ્ટ તારી અને મારી માફક બધી જંજાળમાંથી છૂટો થઈ જઈ બંગલા અને મોટરના પ્રયોગો કરે છે.'

‘પણ મારાથી આ બધું જાણ્યા પછી એમાં નહિ પડાય.'

'તેની હરકત નહિ. તારી ઇચ્છા ન હોય તો તું એમાં ભાગ નહિ લેતો. પણ મને એકાદ લાખની મદદ કર.'

‘એકાદ લાખનો એ જમાનામાં બહુ હિસાબ અમને રહેતો નહિ. મેં ઝટ એક ચૅક લખી આપ્યો. પરંતુ બીજે દિવસે મને ખબર પડી કે જુગારમાં એ પૈસાનો વ્યય થઈ ગયો છે ! સુધાકર બહુ ચાલાક હતો; મારી સાથેની તેની મૈત્રી બહુ જ સારી હતી. તેની બુદ્ધિને માટે મને માન હતું; તે ખર્ચાળ અને મોજીલો હતો તે પણ હું જાણતો હતો. તથાપિ જ્યારે જુગારની વાત સાંભળી ત્યારે મારું મન બહુ જ દુ:ખી થયું. એક દિવસ સંધ્યાકાળે હું તેને ઘેર ગયો. ઉજાગરાનાં અને નશાનાં ચિહ્નો પણ મને તેના મુખ ઉપર સ્પષ્ટ દેખાયાં. મેં તેના મુખ તરફ ધારીને જોયું.

‘કેમ, શું જુએ છે ?' તેણે પૂછ્યું.

‘તારું મુખ બગડતું જાય છે. તારી આાંખની આસપાસ કાળાશ અને આછી કરચલીઓ...'

‘બસ, બસ ! મારું મુખ ખરાબ થશે તોપણ તારા કરતાં વધારે સારું દેખાશે.'

'તને શરમ નથી આવતી ? મારા પૈસા તો તે એક દિવસમાં ઉડાડી નાખ્યા.'

‘એમ કહે ને ત્યારે, કે તને તારા પૈસા યાદ આવ્યા કરે છે ? મને તો તેનો હિસાબ નથી. જે ખર્ચી જાણે તે જ કમાઈ જાણે...'

'પણ શામાં તેં ખર્ચ્યા તેનો તને ખ્યાલ આવે છે ?’

‘એક બોલની પાછળ બરબાદ કર્યા !’

‘એમ કહે ને કે જુગારમાં વાપર્યા ?’

‘એ તો જેને જેવું લાગે તેવું ખરું. આખી જિંદગી પણ જુગાર જ છે ?'

‘બીજાના પૈસા ઉપર જુગાર ન રમાય.'

'તારા પૈસા તે મારા નહિ ? સુરેશ ! મારી બુદ્ધિ વગર તને એક કોડી પણ ન મળી હોત તે ખબર છે ? આપણી કંપનીની બધી હકીકત હું બહાર લાવું તો તું અને હું બંને જેલમાં જઈએ.’