પૃષ્ઠ:Bansari.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારો વ્યાપાર: ૩૩
 

લક્ષાધિપતિની બધી મિલકત તેના દેવા કરતાં ઓછી થઈ ગઈ લાગી. મને બહુ જ નવાઈ લાગી. પરંતુ કુદરતી આફત સામે માણસનું કાંઈ જ ચાલતું નથી તે પ્રમાણે આમાં પણ જાણે મારો કંઈ ઇલાજ ન જ હોય એમ મને લાગ્યું. મેં મારો વ્યાપાર બંધ કરી દીધો, અને લેણદારોની રકમ બધી જ ચૂકવી આપી. પરંતુ તેમ કરવામાં મારે મારું ઘરબાર અને સર્વ કાંઈ મિલકત ગીરો મૂકવી પડી.

એવા દિવસોમાં સુધાકર મારે ત્યાં આવ્યો. મને જાણે હસવા માટે તે આવ્યો હોય એમ મને લાગ્યું. હું કાંઈ બોલ્યો નહિ. એણે મને પૂછ્યું :

‘કેમ, તારું મોં પણ બગડતું જાય છે ?’

‘મને ખબર નથી.' મેં કહ્યું.

'ત્યારે એકલા જુગારથી કે દારૂથી જ મોં બગડે એ તો ખોટું ?’

‘એટલે ?'

‘મારા જેવો જુગારી તારા જેવા નીતિમાનને ભિખારી બનાવી શકે છે, હોં !' તેણે કહ્યું અને મારી સામે જોઈ હસવા માંડ્યું.

તેનું હાસ્ય જોઈ મને એવી રીસ ચઢી કે મેં ઊભા થઈ તેનું ગળું પકડ્યું.