પૃષ્ઠ:Bansari.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પત્ર: ૩૭
 

કપડાં પહેરી હું તુરત બહાર આવ્યો. ગંગારામે ના પાડી. તેણે કહ્યું : ‘ચંદ્રકાન્તભાઈ આવવાનું કહી ગયા છે.' પણ તેના જવાબમાં મેં કહ્યું : ‘હું જ તેને ઘેર જઈશ, માટે આવે તો તેને પોતાને ઘેર બેસવા જણાવજે.'

‘જમીને ન જવાય.’ ‘આરામ લેવો જોઈએ.’ ‘તડકાનો વખત છે.' વગેરે તેની સઘળી દલીલો મેં સ્વીકારી નહિ.

પરંતુ જવાની ઉતાવળમાં હું કાગળ મેજ ઉપર જ ભૂલી ગયો. ઝડપથી સુધાકરને ત્યાં હું પહોંચ્યો. સુધાકર ઘરમાં જ હતો, મને આવ્યો જાણી તે બહાર આવ્યો, અને અત્યંત ભાવપૂર્વક મારો હાથ પકડી તે મને તેના ઓરડામાં લઈ ગયો. આ સ્વાર્થી અને જુઠ્ઠા પુરુષ ઉપર મને તિરસ્કાર તો હતો જ; એમાં ડોળથી વધારો થયો.

'સારું થયું કે તું મારા લખ્યા પ્રમાણે આવ્યો. મને તારી પાસેથી ગયા પછી બહુ પસ્તાવો થયો.' સુધાકરે જણાવ્યું.

‘તે ધાર્યું હતું કે હું આ પ્રમાણે આવીશ ?' મેં પૂછ્યું.

‘મને ડર તો હતો જ કે વખતે તું નહિ આવે. તેમાં સવારે બંસરીના સમાચાર સાંભળ્યા. ખરે, મને જગતમાં દુ:ખ થયું હોય તો તે માત્ર આજ સવારથી જ. મને તારી પાસે પણ આવવાની ઇચ્છા થઈ હતી, પણ પછી હું અટકી ગયો અને ફક્ત આ પત્ર તને લખ્યો. જો, એને હજી હવે ટપાલમાં નાખવો હતો.' સુધાકરે કહ્યું.

‘મને આ જુઠ્ઠાના સરદાર માટે તિરસ્કાર વધ્યો કે તેની સફાઈ માટે માન વધ્યું તે હું કહી શકતો નથી. તથાપિ કોઈ અતિશય ગૂંચવણભરી લાગણી હું અનુભવવા લાગ્યો. વળી તેણે વધારે દિલગીરી બતાવી.

‘અને તારે જ માથે ખૂનનો આરોપ ! બહુ નવાઈ જેવી વાત છે ! હું તો માનતો નથી.’

‘ત્યારે તું શું માને છે ?’ મેં પૂછ્યું.

'તેં લગ્નની ના પાડી એટલે બંસરીએ જ જરૂર આપઘાત કર્યો.' સુધાકરે કહ્યું.

મને શરીરમાં ધ્રુજારી પ્રગટી. સુધાકર કહે છે એ વાત પણ ખરી કેમ ન હોય ? મેં શા માટે અતિ ડહાપણ કરી લગ્નને માટે ના પાડી ? હું ગરીબ અને દેવાદાર બની ગયો હતો, તથાપિ તે મારા દુઃખમાં ભાગ ન લઈ શકત એમ શા ઉપરથી મેં ધાર્યું ? તે બોજારૂપ થઈ પડશે એમ કહેવું એ તેના સરખા મૃદુ હૃદયથી શી રીતે સહન થયું હશે ? મારો કોઈ પત્ર અને મારો રૂમાલ પ્રેમથી પોતાના હાથમાં ઝાલી સ્નેહધેલછાની કોઈ ક્ષણે તેણે પોતાના