પૃષ્ઠ:Bansari.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિત્રોની વચમાં: ૪૧
 


‘આ તારો કાગળ તે વાંચ્યો ?’

‘મારો કાગળ મેં વાંચ્યો કે નહિ તેની તારે દરકાર શા માટે કરવી પડે?’ મેં સામો પ્રશ્ન પૂછ્યો.

‘દરકાર કરવા જેવો કાગળ છે માટે.’

કાગળ કોરો જ હતો એમ મારી ખાતરી હતી. પછી એમાં જ્યોતીન્દ્ર શા માટે દરકાર રાખવી જોઈએ, એમ વિચાર કરી મેં કાગળ પાછો માગ્યો:

‘મારો કાગળ મને આપી દે.'

મારી તેમ જ સુધાકરની સામે જોઈ, જરા હસી, તેણે પરબીડિયાની અંદરથી કાગળ છૂટો કરી વાળેલી ગડી ઉકેલી પરબીડિયું તેમ જ કાગળ મારા હાથમાં મૂક્યાં.

‘લે, તારો કાગળ. વાંચ્યો ન હોય તો ફરી વાંચી જો.' કાગળ કોરો હોવાને બદલે તેમાં અક્ષરો લખેલા મેં દીઠા, હું આશ્વર્યમાં ગરકાવ બની ગયો. પરબીડિયું એનું એ જ હતું. કાગળ પણ એ જ હતો. માત્ર મેં ખોલ્યો તે વખતે તે કોરો હતો. અને જ્યોતીન્દ્રે મને આપ્યો ત્યારે તેમાં અક્ષરો જોયા !

‘આ જ કાગળ તું મારે ત્યાંથી લાવ્યો ?' મેં જ્યોતીન્દ્રને પૂછ્યું.

‘એ જ, એ જ કાગળ ! મને લાગ્યું કે ઉતાવળમાં તારાથી તે પૂરો વંચાયો નહોતો એટલે હું તેને લેતો આવ્યો. મારે સુધાકરને મળવું હતું.’ જ્યોતીન્દ્રે જવાબ આપ્યો.

‘મને શા માટે મળવું હતું ?’ સુધાકરે જ્યોતીન્દ્રને પૂછ્યું.

‘તારી સલાહ લેવી હતી. સુરેશનો કેસ નવીનચન્દ્રને સોંપીશું કે બીજા કોઈને ?’ જ્યોતીન્દ્રે સલાહ લીધી. કદાચ તે જાણતો તો નહિ હોય એમ મને શક પડ્યો.

‘તારા કહેતાં પહેલાં મેં એ તજવીજ કરી દીધી છે, અને નવીનચન્દ્રને જ મેં રોકી લીધા છે. એવા સારા વકીલ વગર કશું બને નહિ.’ સુધાકરે કહ્યું.

‘શાબાશ ! ખરે વખતે જો કામ ન લાગે તો દોસ્તીનો અર્થ શો ?’ જ્યોતીન્દ્રે જણાવ્યું. તેમાં ગુપ્ત ઢબની ટીકા સમાઈ હોય એમ મને લાગ્યું. પરંતુ એની બોલવાની ઢબ ઘણુંખરું કટાક્ષમય જ રહેતી, એટલે તે તરફ મેં વિશેષ ધ્યાન આપ્યું નહિ.

'તેં મારી વિરુદ્ધ સુરેશને ભંભેરવામાં બાકી નથી રાખી હોં ?’ સુધાકરે કહ્યું.

'તને એવું લાગ્યું હશે; બાકી એમ મેં કદી કર્યું નથી. પૂછી જો સુરેશને !