પૃષ્ઠ:Bansari.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

અરેબિયન નાઇટ્સ, કથાસરિતસાગર, વિક્રમવૈતાલનાં કથાનકો વગેરે સાહિત્યગ્રંથોમાં વિવિધ રસનું દર્શન થાય છે એ ખરું, તથાપિ એવા વાર્તાસાહિત્યનું મુખ્ય બળ તેના અદ્દભુત રસમાં રહેલું હોય છે. અદ્દભુત રસ માનવીને સર્વદા આકર્ષે છે, અને એ રસનો આશ્રય લઈ ઊંચી જાતનું સાહિત્ય–મુખ્યત્વે વાર્તાસાહિત્ય રચાયેલું છે.

પશ્ચિમમાં એ જ અદ્દભુત રસ વાર્તાના એક મુખ્ય અંગ તરીકે જાસૂસકથાઓ - Detective Tales - મોટા પ્રમાણમાં રચાઈ છે. અંગ્રેજી સાહિત્યમાં એડગર એલન પોએ આવી ભેદી વાર્તા રચવાની શરૂઆત કરી ગણાય છે. ગતાયુ સર કૉનન ડૉઇલે શેરલૉક હોમ્સ નામના પાત્રને અનુલક્ષી બહુ આકર્ષક અને ઉત્તેજક વાર્તાઓ રચી છે, જે અતિશય લોકપ્રિય થઈ પડી છે. એડગર વૉલેસની નવલકથાઓ પણ ભેદના ઉકેલ અર્થે་ યોજાયેલી છે. ટૂંકી વાર્તાઓ તો ઘણાખરા નવલિકાલેખકો લખ્યે જાય છે.

વળી સૅક્સ રોમર નામના ભેદી વાર્તા લખનાર કલાકારની કલા જગતનાં અગમ્ય તત્ત્વોનાં ખેલનનું બહુ જ રોચક વાતાવરણ ઊભું કરે છે. શેરલૉક હોમ્સની માફક બીજાં પણ ભેદી પાત્રો પ્રખ્યાત થઈ ચૂક્યાં છે. આમ જાસૂસકથા એ નવલકથાનો એક મોટો વિભાગ બની ગઈ છે.

એની વિચિત્રતાઓ, અસંભવિત ઘટનાઓ, હાસ્યજનક પરિણામો, અને આખીય રચનાની નિરર્થકતાની જબરદસ્ત મશ્કરીઓ પણ થઈ છે, અને માર્ક ટ્‌વેન, સ્ટીવન લીકૉક તથા વૂડહાઉસ સરખા હાસ્યરસના પ્રખર લેખકોએ એ જાસૂસકથાની સખત ખબર લઈ નાખી છે.

છતાં એવી કથાઓ લોકપ્રિય તો થાય છે જ. એવા ભેદ માટેનું સ્વાભાવિક માનવ કુતૂહલ, અને એવા જ ભેદભર્યાં છતાં શાસ્ત્રીય રીતે સરલ બની જતા અણધાર્યાં ભેદઉકેલનું અદ્દભુત તત્ત્વ, એ બે કારણો અદ્દભુતરસની વાર્તાઓને સર્વદા જીવન્ત રાખે એમ છે.

વળી ગુનાઓની શોધ માટે વપરાતી સામાન્ય બંદોબસ્ત ઢબ અતિશય જર્જરિત બની ગઈ છે, અને માનસશાસ્ત્રની સહાયથી એ ઢબમાં થતા અગર થવા જોઈતા સુધારાઓની રૂપરેખાઓનાં કલ્પનામય સ્વરૂપો ઘડતા કલાકારો - Penology - ગુનાશસ્ત્ર - માં થવાના ફેરફારોની આગાહી આપતા હોય એવો પણ એ રચનામાં સંભવ રહ્યો છે. એકંદર જોતાં