પૃષ્ઠ:Bansari.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪: બંસરી
 


ચંદ્રકાંતને ઘેર જતાં ચંદ્રકાંત ઘરમાં નહોતો એવી ખબર મળી. તે ક્યાં ગયો હતો તેની પૂછપરછ કરતાં તે મારે ઘેર ગયો હતો. એવા સમાચાર મળ્યા. ટેલિફોનથી મેં પુછાવ્યું તો તે મારે ઘેરથી હમણાં જ ચાલી નીકળ્યો હતો એવી બાતમી મળી. વકીલને ત્યાં રાત્રે જવાનું હતું. નવીનચંદ્ર ફોજદારી કામમાં એક્કા ગણાતા હતા; તેમની ફી અતિશય ભારે હોવા છતાં તેમને ત્યાં એટલા બધા કેસો આવતા કે તેમને દિવસરાત જરા પણ ફુરસદ મળતી નહિ. તેઓ કામથી ઘણા કંટાળેલા હોવાને લીધે સાંજે એક કલાક્ ફરવા જતા. મારે હવે કાંઈ કામ નહોતું. સગાંવહાલાંમાં મારે માત્ર એક બહેન હતી, તે પરગામ રહેતી હતી. તેને બોલાવવા માટે મેં તાર કરી દીધો. કારણ,આ સ્થિતિમાં એકલા રહેવું મને અતિશય ભારે લાગવા માંડ્યું. કઈ ક્ષણે પોલીસ મને પકડશે તેનો ભરોસો નહોતો. સંધ્યાકાળ પડવા આવી હતી. શહેર બહારના એક એકાંત રસ્તા ઉપર મેં ચાલવા માંડ્યું. લોકોની અવરજવર આ સ્થળે ઘણી જ ઓછી હતી, તથાપિ મને ઓળખી ઓળખાવનાર માણસો નીકળી આવતા હતા એમ મને લાગ્યા કરતું. મારા તરફ ફરતી દૃષ્ટિ અને આંગળીની સંખ્યા ગણતાં હું હવે ગામમાં જાણીતો થઈ ચૂક્યો હતો જ એમ મારી ખાતરી થઈ.

વર્તમાનપત્રોની ભૂખ ખૂનના સમાચાર વગર હોલવાતી નથી, એવા ઉત્તેજક સમાચારને વધારનાર રોજિંદા છાપાએ ખબર બહાર પાડી દીધી હતી. અને રોજિંદા નહિ હોય એવાં પત્રોએ ખાસ વધારો છાપી બંસરીના ખૂનની હકીકત જગજાહેર કરવામાં પૂરતી સહાય આપી હતી. ફેરિયાઓ બૂમ મારતા હતા:

‘ખૂન ! ભેદી ખૂન ! એક જાણીતી બાઈનું ગુમ થવું ! ભેદનો પત્તો ! પકડાવાની અણિ ઉપર આવેલો ખૂની ! પોલીસની ધરપકડ ! એક આગેવાન શહેરી ઉપર શક !’

આમ જાતજાતની ઉત્તેજક વાણી વડે આ સમાચાર સર્વશ્રુત બનતા મેં એક ફેરિયાને બોલાવ્યો. તે આવ્યો અને તેની ઊંચા સ્વરની ભાષામાં જ બોલ્યો :

'લ્યો સાહેબ ! બંસરીનું ખૂન ! બબ્બે દોઢિયાં !’

મેં બે દોઢિયાં આપીને ‘બંસરીનું ખૂન’ લીધું. ખૂનમાં સંડોવાયેલ એક આગેવાન શહેરી !’ એમ બૂમ પાડી ફેરિયો આગળ વધ્યો. હું અહીંનો શહેરી તો હતો જ; પરંતુ હું આગેવાન છું એમ મેં આજે જ જાણ્યું. બહુ રસભરી ભાષાના સૂચન ઉપરથી મારો દોષ જણાઈ આવે. પરંતુ ખુલ્લી ભાષામાં કશું બંધન ન નડે એવી શૈલીમાં ખૂન સંબંધી વિગતવાર માહિતી