પૃષ્ઠ:Bansari.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મિત્રોની વચમાં: ૪૫
 

આપી હતી. રસ્તાની જ બાજુએ એક મેદાન લોકોને ફરવા માટે ખુલ્લું હતું. ત્યાંની એક બેઠક ઉપર બેસી મેં વર્તમાનપત્ર વાંચવા માંડ્યું.

'...લોકવાયકા અને સગાંવહાલાંની માન્યતા એવી છે કે પ્રથમ ધુરંધર વ્યાપારી પરંતુ હાલ લગભગ નાદાર સ્થિતિમાં આવી ગયેલા સુરેશનો આ ખૂનમાં કાંઈ ન સમજાય એવો હાથ છે. તેમનું લગ્ન બંસરી સાથે થવાનું હતું પરંતુ સટ્ટા વગેરેમાં પૈસા ગુમાવનાર અવિચારી યુવાનની સાથે થતો સંબંધ અટકાવવા બંસરીનાં હિતસ્વીઓએ લીધેલાં પગલાં વાસ્તવિક નહોતાં એમ કહેવું મુશ્કેલ છે. તેમણે બંસરીનું લગ્ન બીજે કરવાનો નિશ્ચય કર્યો. એટલામાં અકસ્માત ગઈ રાતે તેનું ખૂન થયાના સમાચાર પોલીસને મળ્યા. બંસરીનું લગ્ન બીજે થવાનું સાંભળી સુરેશે ખૂન કરવાની ધમકી આપી હતી એવો પુરાવો પોલીસને મળ્યાનું કહેવાય છે. એમાં કેટલું સત્ય છે એ તો મુકદ્દમો ચાલ્યે જણાઈ આવશે. તથાપિ સંજોગો જોતાં આ સાહસિક યુવાન ઉપર સહુનો શક જાય છે, એમાં સંશય નથી. એક બાહોશ ડિટેક્ટિવની પણ પોલીસે સહાય લીધી છે. પરંતુ તેને ફોડી નાખ્યાની વાત પણ લોકોમાં ઊડી છે. પ્રસંગ ઘણો ભેદભર્યો છે. પ્રેમ અને ખૂનનું આ નાટક કેવી રીતે ભજવાયું તેનો પડદો હજી ખૂલ્યો કહેવાય નહિ...'

વાંચતાં વાંચતાં મારો ગુસ્સો હાથમાં રહ્યો નહિ. દાંત કચકચાવી મેં આ પત્રને ચૂંથી નાખી જમીન પર પટક્યું. બેઠક પર બેઠેલા એક ગૃહસ્થે પૂછ્યું:

‘સુરેશ તમે જ; ખરું ને ?’