પૃષ્ઠ:Bansari.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણધાર્યો અકસ્માત: ૪૭
 


‘પરંતુ આપે મને શી રીતે ઓળખ્યો ?' મેં પૂછ્યું.

‘તમે છાપું વાંચતા હતા, અને જે ઢબે તમે તે ફેંકી દીધું તે ઢબ ઉપરથી ગમે તે કોઈ કહી શકે કે તમે આ કાર્ય સાથે સંબંધ ધરાવનાર સુરેશ જ છો.’ પછી અમે કેટલીક વાતચીત કરી. મારા પિતા તથા માતા સંબંધી કેટલીક વાતો તેમણે કહી જે અંગત પરિચયવાળો માણસ જ જાણી શકે. નવીનચંદ્રને વકીલ તરીકે રોક્યો એ ઘણું જ ડહાપણભર્યું કામ કર્યું હતું એ તેમણે જણાવ્યું. મારું વર્તન આ સંજોગોમાં મારે કેવું રાખવું તે વિષે તેમણે સલાહ આપી. જરૂર પડ્યે પોતાના તરફથી જે કંઈ સહાય માગવામાં આવશે તે આપવા તેઓ તત્પર રહેશે એમ કહી મારા પિતાએ તેમના ઉપર જે કાંઈ ઉપકારો કર્યા હતા તેનું આભારદર્શક વર્ણન પણ તેમણે કર્યું.

મેં તેમનું નામ પૂછ્યું. તેમનું નામ શિવનાથ હતું. મને ઝાંખી ઝાંખી સ્મૃતિ આવા જ એક નામની થઈ આવી અને મારા આ નવીન શુભેચ્છક માટે મારી લાગણી વધી ગઈ.

'આપ અહીં શા માટે આવ્યા છો ? મને તો અલબત્ત તેથી લાભ જ થયો છે.' મેં પૂછ્યું.

‘મારી તબિયત સારી રહેતી નથી; હું હવાફેર માટે આવ્યો છું. વકીલાતના ધંધામાં મગજ ઉપર ઘણું જ ભારણ રહે છે. નવીનચંદ્રે મને અહીં બોલાવ્યો એટલે એકાદ માસ રહીશ.' તેમણે કહ્યું.

જાણીતા વકીલ અને દેશસેવક શિવનાથ તે આ તો નહિ હોય ? તેમને પૂછતાં મારી ખાતરી થઈ કે તેઓ જ શિવનાથ નામે ઓળખાતા વકીલ દેશસેવક હતા. મને એક પ્રકારનો આનંદ થયો. આવા ભારે વકીલ મારી સહાયે ઊભા રહેશે તો મારે માથે આવેલા જૂઠા આરોપોનું નિવારણ થઈ જશે એમ લાગ્યું. મેં કહ્યું :

‘મારું સદ્દભાગ્ય કે આપનો આવા સંજોગોમાં મને પરિચય થયો. આપને તકલીફ આપવી પડશે.'

‘શાની તકલીફ ?’ તેમણે પૂછ્યું.

‘મારા કેસ સંબંધમાં.’

‘અંહ ! એનો ઊંચો જીવ કરશો જ નહિ. નવીનચંદ્ર મને પૂછ્યા વગર કશું પગલું ભરશે જ નહિ.’

‘આપને નવીનચંદ્રે કંઈ વાત તો કરી હશે.' મને લાભ લાગતાં આ પ્રખ્યાત વકીલના કેસ વિષે વધારે અભિપ્રાય મેળવવાનું મેં મન કર્યું.

'સાધારણ પેપરોમાં જે હકીકત આવી. તે કરતાં વધારે હકીકત અમે