પૃષ્ઠ:Bansari.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮: બંસરી
 

બંનેમાંથી કોઈ જાણતા નથી. પરંતુ તમે તથા તમારા એક મિત્ર અત્યારે નવીનચંદ્રને ત્યાં જ આવો છો ને ? તે વખતે હું પાસે જ હોઈશ.’

મને આ સહૃદય વકીલ અને મારા પિતાના જૂના મિત્ર સાથે વાત લંબાવવાની ઘણી ઇચ્છા થઈ. વળી વળીને હું કેસની વિગત તરફ તેમને દોરતો. પરંતુ તેમનો એ વિષે એક જ જવાબ હતો :

‘નવીનચંદ્રની સાથે મળી એ વિષે ચોક્કસ કરીશું.' વકીલો તથા ડૉક્ટરોમાં આવો ભારે શિષ્ટાચાર હોય છે. એકને સોંપેલા કેસમાં બીજો કોઈ તેની ગેરહાજરીમાં માથું મારતો નથી, તેમ અભિપ્રાય આપવાની પણ ઉતાવળ કરતો નથી.

રાત પડવા આવી હતી. એક મોટર આવી અમારી બેઠક નજીકના પર ઊભી રહી. તેમાંથી શૉફરે નીકળી શિવનાથની પાસે આવી સલામ કરી.

‘ચાલો, હું તૈયાર છું. તમને જગા જડતાં વાર ન થઈ ?' શિવનાથે કહ્યું.

‘વકીલ સાહેબ રોજ અહીં જ ફરવા આવે છે.' શૉફરે જણાવ્યું.

'ત્યારે સુરેશભાઈ ! તમે તો નવીનચંદ્રને ત્યાં જ મળશો ને ? હું આ મોટર આવી છે એટલે જાઉં છું.' ઊઠતે ઊઠતે શિવનાથે મને ઉદ્દેશીને કહ્યું.

'હા જી.'

'કલાકેક થશે, ખરું?'

'ના, ના. હું પાછળ જ આવું છું. કોઈ વાહન્ મળશે તો તે લઈશ અને તરત જ્ વકીલ્ સાહેબને ત્યાં જ આવીશ.' મેં કહ્યું.

‘કેમ ? તમારા મિત્રની સાથે તમે આવવાના છો ને ?’ શિવનાથે પૂછ્યું.

'આપ ક્યાંથી જાણો ?’

‘કેમ, સુધાકર કરીને તમારા કોઈ મિત્રે ટેલિફોનથી વકીલને ખબર આપી હતી.'

'પણ પછી નવીનચન્દ્રને ત્યાં જ ભેગા થવાનો વિચાર રાખ્યો છે. નવ વાગ્યા છે; અડધા કલાકમાં હું ત્યાં આવી પહોંચું છું.' મેં કહ્યું.

‘તો પછી મારી સાથે જ ચાલો ને ? આટલા શરમાળ ક્યાંથી ?’

‘આપને શા માટે તકલીફ આપું ?’

'ભલા માણસ ! એમાં તકલીફ શાની ? મોટર ભારે મરી નહિ જાય ! ચાલો.'