પૃષ્ઠ:Bansari.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦: બંસરી
 

કરવાનું હતું. હિંદુ વારસાઈ પદ્ધતિ, અને દુનિયાની બીજી વારસાઈ પદ્ધતિઓ સાથે તેની સરખામણી’ એ નામનું ટીકા સાથેનું એક પુસ્તક તેઓ તૈયાર કરતા હતા. વર્ષે બે વર્ષે જ્યારે તેઓ એકબે માસની શાંતિ લેતા ત્યારે તેઓ આવાં આવાં અભ્યાસનાં પુસ્તકો લખી પ્રગટ કરતા. શિવનાથની ટીકાવાળાં કાયદાનાં પુસ્તકો એલ. એલ. બી. અમે પણ વાંચ્યાં હતાં એવું મને યાદ આવ્યું. એટલે જુદા મકાન પસંદ કરી ગયા હતા, પરંતુ દીવાબત્તી માટેની અમુક જ યોજના તેમને જોઈતી હતી. ઘરધણીએ તેવા ફેરફાર કરવાનું કહ્યું હતું, એટલે નવા ઘરમાં જતાં એકબે દિવસની વાર હતી. તેણે શિવનાથની મરજી પ્રમાણે કરેલી યોજના પસંદ કરવા માટે શિવનાથને બોલાવ્યા હતા. શિવનાથ તે વખતે બહાર નીકળી ગયા હતા. તેથી તેમને ખબર નહોતી એટલે નવીનચંદ્રે શૉફરને ઘરે દેખાડાવી આવવા જણાવ્યું હતું.

બંગલો વિશાળ અને મોટો બગીચો તથા ચોગાનવાળો હતો. બગીચામાં વીજળીના આછાઆછા દીવા દૂર દૂર મૂકેલા જણાતા હતા. મકાનની અંદર પણ સારું અજવાળું હોય એમ લાગ્યું. શૉફર બહાર ઊભો રહ્યો; હું તથા શિવનાથ બંગલાના દરવાજામાં બેઠા. એક કૂતરું ભસ્યું. ‘હાં બસ !' દરવાને બૂમ મારી અને કૂતરું શાંત રહ્યું.

'વણજારી કૂતરો લાગે છે.’ શિવનાથે દરવાનને પૂછ્યું.

'અહીંનો કૂતરો નથી, સાહેબ !’ દરવાને જવાબ આપ્યો.

'આપને કૂતરાનો શોખ લાગે છે.' મેં જણાવ્યું.

'ઘણો જ.'

બંગલાના આગલા ખંડમાં એક મજબૂત અને સભ્ય દેખાવનો પુરુષ હતો. તેણે શિવનાથને સલામ કરી અને અમને બંનેને એક સૉફા ઉપર બેસાડ્યા, તથા આગળ એક નાનું ટેબલ મૂકી શરબતના બે પ્યાલા મૂક્યા. ધીમે ધીમે અમે શરબત પીધો. પેલા માણસે જુદા જુદા દીવા સળગાવી તેમ જ હોલવી નાખી કરેલા ફેરફારો બતાવ્યા. શિવનાથે ફેરફારો પસંદ કર્યા, માત્ર એકબે દીવા ઉપર જુદા રંગના ગ્લોબ મૂકવા સૂચના કરી; પેલા માણસે હા પાડી. પછી બીજા ખંડમાં અમને પેલો માણસ લઈ ગયો. એ ખંડમાં એક દીવો હતો. ત્યાં પણ એક સૉફા ઉપર અમને બેસાડ્યા, અને બહારથી દીવાની ચાવી ઉઘાડવા તે ગયો.

ચાવી ઊઘડી; બધા દીવા પ્રગટવાને બદલે એક દીવો હતો તે પણ ગુલ થઈ ગયો. ઓરડામાં અંધકાર ફેલાઈ ગયો. શિવનાથ હસ્યા અને બોલ્યા: