પૃષ્ઠ:Bansari.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પોલીસના કબજામાં: ૫૩
 


‘પાણી પીશો ?’ જ્યોતીન્દ્રે પૂછ્યું.

‘હું ક્યાં છું ?' ધીમેથી શિવનાથે પૂછ્યું. મને વિચાર આવવા લાગ્યો કે આ ખરેખર શિવનાથ હશે કે બીજો કોઈ કારસ્તાની ? મને અહીં અજાણી જગાએ લઈ આવી ફસાવનાર આ નવીન સાથી કોણ હતો ?

ઓરડીમાં પાણી હતું તે જ્યોતીન્દ્રે લાવીને ધીમે રહી શિવનાથને પાયું. શિવનાથે આંખો પૂરી ઉઘાડી અને બેસવા પ્રયત્ન કર્યો. પરંતુ તેઓ જ્યોતીન્દ્રના હાથમાં ઢળી પડ્યા. જ્યોતીન્દ્ર તેમ જ પોલીસના બે માણસોએ મળી તેમને એક સૉફામાં સુવાડ્યા.

હિંમતસિંગે ધીમે રહી જ્યોતીન્દ્રને પૂછ્યું :

‘દવાખાને મોકલીશું ?’

‘જરૂર નથી. પા કલાકે ઠેકાણે આવશે પછી મોટરમાં લઈ જવાશે. ઇજા હાથ ઉપર થઈ છે તે બહુ ઓછી થઈ છે. માત્ર છરતી ગોળી વાગી છે.'

‘ગોળી વાગી છે એમ આપ તો કહો છો. પછી મારું ધારવું ખોટું કેમ માનો છો ?' હિંમતસિંગે પૂછ્યું.

‘ગોળી વાગી, પરંતુ તે વગાડનાર કોણ એ તો સાબિત થવું જોઈએ ને ?’ જ્યોતીન્દ્રે સામું પૂછ્યું.

'ઓરડીમાં બે જ જણ હતા. સુરેશની બાજુએથી ગોળી આવી. આમને વાગી, એટલે ગોળી મારનાર કોણ તે પ્રથમ દશર્ને જ સમજાઈ જાય છે.'

‘ઓરડીમાં બે નહિ, ત્રણ જણ હતા.' સહેજ હસી પડી જ્યોતીન્દ્રે કહ્યું.

‘ત્રીજું કોણ ?’ ચમકીને હિંમતસિંગ બોલી ઊઠયા.

‘ત્રીજો હું જ ને.' જ્યોતીન્દ્રે જણાવ્યું.

‘વાહ વાહ ! પણ તમે તો રિવોલ્વરનો ઉપયોગ કરો છો જ ક્યાં ?'

‘મારે જરૂર પડતી નથી.' જ્યોતીન્દ્રે જણાવ્યું.

આ સ્થળે એક વાતની નોંધ લેવી બહુ જરૂરની છે. જ્યોતીન્દ્ર અહિંસાનો જબરજસ્ત ઉપાસક હતો. અહિંસાના સિદ્ધાંતની વાત આવે ત્યારે સામાન્ય રીતે તે ઓછાબોલો હોવા છતાં વાચાળ બની જતો. તે ઘણી વખત કહેતો કે તેણે કદી હથિયાર વાપર્યું જ નથી. ગુનાઓની તપાસમાં તે ક્વચિત્ પડતો ત્યારે અમે તેને હથિયાર વિષે પૂછતા. પરંતુ એ તો કહેતો જ કે જગતમાં હથિયારની બિલકુલ જરૂર જ નથી, અને તેમાંયે ગુના પકડવા માટે તો જરા પણ નહિ. અમે તેના આ કથનને માનતા નહિ, માત્ર