પૃષ્ઠ:Bansari.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬: બંસરી
 


હિંમતસિંગે પ્રથમ તો શિવનાથને એક આરામખુરશી ઉપર સુવાડી, બે માણસો પાસે ઊંચકાવી બહાર મોકલ્યા, અને તેમને લઈ જતા માણસોને સૂચના આપી કે તેમને તેમની મોટરમાં જ દવાખાને લઈ જવા.

હું ઊભો હતો. તે હવે એક ખુરશી ઉપર બેઠો. બેડીથી મનુષ્યને કેવી કેવી મુશ્કેલી નડતી હશે તેનો મને બરાબર ખ્યાલ આવ્યો. કુદરતી રીતે હાથ જડ બની ગયા; હાથ હલાવવા હોય ત્યારે બંને સાથે જ હલાવવા પડે. એક ને એક સ્થિતિમાં રહેવાને ન ટેવાયેલા હાથ ભારે ગૂંચવણ ભોગવવા લાગ્યા. હિંમતસિંગ ધારી ધારીને મને જોતો હતો. મેં તેને પૂછ્યું

'હિંમતસિંગ ! તમે મને ખૂની ધરો છો?'

‘ખૂનનો પ્રયત્ન તો તમે કર્યો જ હતો. એ તો સહજમાં પેલા બિચારા બચી ગયા'

'પણ એમણે જ મારું ખૂન કરવા પ્રયત્ન કર્યો હશે તો ?' મેં પૂછ્યું.

‘ખોટું તદ્દન ખોટું. ગોળી તો તમે જ ફોડી.’

‘ના ભાઈ ! ના. મારી બાજુમાંથી આવી ખરી, પણ જો મેં ફોડી હોત તો હું ભોંયે કેમ પડી ગયો હોત ?’

‘અંધારામાં જ્યોતીન્દ્રે તમારા પગ ખેંચ્યા એટલે નીચે વાગી. બાકી તમે તો બરાબર માથામાં જ તાકી હતી.'

‘અંધારામાં શી રીતે મેં તાકી હશે ?'

‘તમે વાતચીત કરીને બરાબર માપ લેતા હતા તે અમારાથી અજાણ્યું નહોતું.'

મેં બોલવું બંધ કર્યું. બહાર મોટર ચાલતી થઈ હોય એવો અવાજ આવ્યો. શિવનાથને મૂકવા ગયેલા માણસોમાંથી એક જણ અમારા ઓરડામાં આવ્યો અને હિંમતસિંગને સલામ કરી બોલ્યો : ‘આપની મોટર પણ તૈયાર છે.'

'ઠીક, કેદીને તમારી સાથે લાવજો.' હિંમતસિંગ મોટરમાં બેસવાના હતા અને હું કેદી પોલીસના સિપાઈઓ સાથે પગ ઘસડતો ચોકીમાં જવાનો હતો. એટલું તો નક્કી થયું. હિંમતસિંગ ઊઠ્યા અને દમામ ભરેલી રીતે ઓરડામાંથી બહાર નીકળ્યા. બધા તેમની પાછળ ચાલ્યા. આગલા ખંડમાં આવતાં એક ટેલિફોન ઘંટડી જોરથી વાગ્યા કરતી સાંભળવામાં આવી. હિંમતસિંગ જરા અટક્યા અને તેમણે એક માણસને કહ્યું :

‘જો ને, કોણ છે ?'